આપણું ગુજરાત

ઊંટોને સમર્પિત ભારતનો એકમાત્ર મેળો કચ્છમાં ભરાય છે જાણો છો?

રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ ફેલાયો છે.આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલાખડાઓ પણ યોજાઈ રહ્યા છે.માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ?આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી જ,કોઈ માને કે ન માને,કચ્છમાં એક મેળો એવો છે જે મેળો રણના વાહન સમા ઊંટ મહાશયોને સમર્પિત કરાયો છે.

આ મેળો માત્ર ઊંટ મહાશયોને સમર્પિત હોય તેવો સમગ્ર ભારતમાં આ એકમાત્ર મેળો છે. આમ તો રાજસ્થાનના પુષ્કર ખાતે યોજાતો ‘કેમલ ફેસ્ટિવલ’ પણ પ્રખ્યાત છે પણ પુષ્કર ખાતેના મેળામાં ઊંટ ઉપરાંત અન્ય પશુઓને પણ પ્રદર્શિત કરાય છે અને તેમના સોદા થાય છે જયારે કચ્છના કોટડા(ચકાર) ખાતે યોજાતા ભેડ માતાજીના મેળામાં ઊંટ અને તેના માલિક વચ્ચેની પરસ્પરની લાગણીને જ મહત્વ આપવામાં આવે છે.


અહીં માલિક માત્ર પોતાના જ નહિ,પણ સમગ્ર વિશ્વની ઊંટની પ્રજાતિની તંદુરસ્તી અને ખુશહાલીની પ્રાર્થના કરે છે.ઉપરાંત હવન પણ થાય છે.


મધ્યપૂર્વીય દેશ સાઉદી અરેબિયા ખાતે પણ કેમલ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે જે લગભગ ૪૦ દિવસ સુધી ચાલે છે.
આ મેળામાં અખાતી દેશો ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ અને રશિયાથી પણ ઊંટ પાલકો ભાગ લે છે. જો કે આ મેળામાં ઊંટોને ઘાતકીપૂર્વક દોડાવી દોડાવીને તેની હરીફાઈઓ યોજાય છે.

ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામની મુંદરા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા ડુંગર પર બિરાજતા મોમાય માતાજી જેને માલધારીઓ ભેડ માતાજી તરીકે ઓળખે છે અને આ સ્થળે યોજાતો મેળો ઊંટો માટે સમર્પિત છે.
દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદશ અને પૂનમ એમ બે દિવસ દરમ્યાન ભેડ માતાજીના સ્થાનકે આ ઉંટોનો મેળો યોજવામાં આવે છે.


આ વર્ષે આ મેળો શુક્રવાર તારીખ ૨૯મી સપ્ટેમ્બરના રોજ આ મેળો યોજાશે. જોગાનુજોગ આ દિવસે ચાલુ વર્ષનો અંતિમ સુપરમૂન પણ જોવા મળશે.

આ મેળાની વિશિષ્ટતા એ છે કે આખું વર્ષ વફાદારી પૂર્વક પોતાના માલિક સાથે રહેતા ઊંટ-ઊંટડીને પશુપાલકો ખાસ કરીને રબારીઓ પોતાના ઊંટ-ઊંટડીને,ભેડ માતાજી સમક્ષ શીશ નમાવવા માતાજીના સ્થાનકે લઇ આવે છે.ઊંટને મંદિરમાં બિરાજમાન મોમાય માતાજીની મૂર્તિ સામે લઇ અવાય છે જયાં ખાસ બનાવાયેલા પ્લેટફોર્મ પર ઊંટ પોતાનું શીશ નમાવે છે.આ ઊંટોને કુમકુમ ચોખાના તિલક પણ કરાય છે અને તેમને નાળિયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.એક માન્યતા એવી છે કે,ઊંટોને મોમાય માતાજીના દર્શન કરાવવાથી તેઓ આખું વર્ષ તંદુરસ્ત રહે છે.

દુષ્કાળના એ દોહલા દિવસોમાં કચ્છમાંથી હિજરત કરી ગયેલા સેંકડો રબારી પરિવારો,હવે કચ્છમાં સારો વરસાદ થઇ જતાં કચ્છમાં પરત ફર્યા છે.આ રબારી પરિવારો જયારે હિજરત કરે છે ત્યારે કુટુંબના સભ્યો અને માલસામાનના ટ્રાન્સપોર્ટરો તરીકે આ ઊંટો જ ફરજ બજાવે છે.આ વર્ષે મેળામાં મહાલવા ઊંટોના ધણ અત્યારથી જ ભેડ માતાજીના મંદિરની આસપાસ જોવા મળી રહ્યા છે.

આનંદની વાત એ છે કે હવે ઊંટડીના દૂધની લોકપ્રિયતા પણ હવે વધવા પામી છે અને તેનું સારું માર્કેટિંગ શક્ય બન્યું છે તેથી અગાઉ માત્ર ઊંટો જ પાળતા પશુ પાલકો હવે ઊંટડીઓને પણ પાળતા થયા છે તેથી આ વર્ષે કોટડા ચકાર ખાતેના આ ઊંટોના મેળામાં ઊંટ જાણે સપરિવાર મહાલશે .ઊંટો ઉપરાંત ઘેટાં-બકરાં અને ગાયો પણ દર્શનાર્થે મહાલશે.

ભુજ ઉપરાંત મુંદરા તેમજ અંજાર તાલુકાઓના છેક ચુનડી, તુમ્બડી, લફરા, બાંદરા,ચંદીયા,વરલી,જાંબુડી,રેહા સણોસરા સહીત ૭૦ જેટલા ગામોમાં પોતાના પશુઓ સાથે હાજરી આપશે.

આમ તો આં વાત પંચતંત્રની વાર્તા સમાન લાગે પણ વાસ્તવમાં યોજાતો આ મેળો રણપ્રદેશ કચ્છના લોકોની મૂંગા પશુઓ સાથેની આત્મિયતાનું ઉદાહરણ છે
.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button