દશેરા પર ફાફડા-જલેબીની જ્યાફત: અમદાવાદ-સુરતીઓએ કરોડોના ફાફડા ઝાપટ્યા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

દશેરા પર ફાફડા-જલેબીની જ્યાફત: અમદાવાદ-સુરતીઓએ કરોડોના ફાફડા ઝાપટ્યા

મોંઘવારી હોવા છતાં ઉત્સાહમાં કોઈ ઘટાડો નહીં, માત્ર એક દિવસમાં કરોડો રુપિયાનો વેપાર!

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ/સુરતઃ આજના દશેરાના પર્વ પર અમદાવાદમાં વહેલી સવારથી લઈ સાંજ સુધીમાં ફાફડા જલેબી ખરીદવા લોકોએ દુકાનો પર લાઇન લગાવી હતી. તમામ વિસ્તારમાં આવેલી દુકાનો પર ફાફડા-જલેબી ખરીદવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદીઓ 5થી 7 ટન જેટલા ફાફડા દિવસમાં ઝાપટી ગયા હતા. ફાફડા 700 રૂપિયાના કિલો અને જલેબી 800 રૂપિયા કિલોનો ભાવ હોવા છતાં લોકોએ જયાફત માણી હતી. શહેરમાં જ ત્રણ કરોડથી વધુના ફાફડા-જલેબીનું વેચાણ થયું હતું. શહેરમાં રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ જવા માટે લોકોનો ધસારો વધારે જોવા મળ્યો હતો. અત્યારે વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી ખાવા માટે લાઇનમાં ઊભા રહીને ખરીદી કરી હતી.

ડાયમંડ સિટી સુરતમાં પણ ફાફડા-જલેબીની જ્યાફત માણવા સવારથી જ લાઈનો લગાવી દીધી હતી. શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જ જોવા મળી હતી. સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા અને જલેબી આરોગી ગયા હતા. ગાંધીનગરના મુખ્ય માર્ગો અને બજારોમાં પણ દુકાનદારોએ પાર્કિંગની જગ્યા અને અવર-જવરના માર્ગો પર ફાફડા અને જલેબીના સ્ટોલ લગાવી દીધા હતા, જ્યાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો: ‘ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ…’, જ્યારે CJI ચંદ્રચુડે ગુજરાતીમાં આપ્યું ભાષણ, લોકો હસી પડ્યા, જુઓ વીડિયો

મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો. ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જોઈએ.ફરસાણના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા.

ગ્રાહકોનો ધસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી રહી છે. વર્ષોથી દશેરાના પર્વ પર ફાફડા-જલેબીની જ્યાફત માણવાની આ પરંપરા આજે પણ અવિરતપણે ચાલુ છે, જે તહેવારો પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button