નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે હૉસ્પિટલ સહિતની સુવિધાઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર ઊભી કરાઈ બે હૉસ્પિટલ, વીવીઆઇપી માટે બે બેડની તો સામાન્ય જનતા માટે ૬ બેડની હૉસ્પિટલ વન-ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ૨૦૨૩ને અનુલક્ષીને ઊભી કરાઇ છે.
ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વકપ ૨૦૨૩નો શુભારંભ થયો છે અને તેની પ્રથમ મેચ અમદાવાદના આ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચ દરમિયાન મેડિકલ ઇમરન્જસી ઊભી થાય તો તેને પહોંચી વળવા સ્ટેડિયમ ઓથોરિટી દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં બે હૉસ્પિટલ સ્ટેડિયમમાં જ ઊભી કરવામાં આવી છે. તેમજ ૬ જેટલી એમ્બ્યુલન્સ ઇમરજન્સી સર્વિસ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વીવીઆઇપી માટે બે બેડની હૉસ્પિટલ ઊભી કરવામાં આવી છે અને સામાન્ય જનતા માટે છ બેડની હૉસ્પિટલની સુવિધા ઊભી કરાઈ છે. સ્ટેડિયમમાં આરોગ્યની સુવિધા માટે ૬ મેડિકલ કેયોસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડૉક્ટર અને નર્સ સહિતનો ૫૪ સભ્યોનો સ્ટાફ ખડે પગે સેવા માટે તૈયાર રહેશે. સ્ટેડિયમમાં ડૉક્ટર અને નર્સ સ્ટાફ સાથે ૬ એમ્બ્યુલન્સ ઉપસ્થિત રહેશે. આ ૬ એમ્બ્યુલન્સમાં ૧ ખેલાડી માટે, ૧ વીવીઆઈપી માટે અને ૪ એમ્બ્યુલન્સ દર્શકો માટે રહેશે. વિશ્ર્વકપની પ્રથમ મેચ હોઇ અમદાવાદમાં દર્શકો અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૩,૫૦૦ જેટલા પોલીસ અધિકારીઓનો કાફલો મેદાનમાં તૈનાત રહેશે.