Kutch: ચરવા ગયેલી ગાયનાં મોઢાંમાં વિસ્ફોટ; જીવદયાપ્રેમીઓમા રોષ
ભુજ: કચ્છમાં શિયાળાની ઠંડી વચ્ચે રાતના અંધકારમાં નીલગાય, સસલાં, જંગલી સુવર, વિવિધ પ્રજાતિના પક્ષીઓના શિકાર થઇ રહ્યા છે તેવામાં લખપતના દયાપર ખાતેના માતાના મઢ ખાતે આવેલા સેંસરપીર તળાવના નિર્જન સીમાડામાં ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થથી બનાવેલા, દળાકાર બોમ્બને આરોગી જવાથી ગૌમાતાને ગંભીર ઈજાઓ પહોંચવાથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
વિસ્ફોટક પદાર્થને આરોગતાં મોઢામાં ધડાકો
સલીમ લંઘા નામના માલધારીની આ ગાય સેંસર તળાવવાળા વિસ્તારમાં ચરવા ગઇ હતી, તે દરમ્યાન શિકારી ટોળકી દ્વારા વન્યજીવને હાનિ પહોંચાડવા માટે રાખવામાં આવેલા આ વિસ્ફોટક પદાર્થને આરોગતાં મોઢામાં ધડાકો થયો હતો, તેથી ગાયને ગંભીર ઇજાઓ થઇ હતી.
Also read:
ગાયને સારવાર માટે ભુજ ખસેડવામાં આવી
માલધારીઓએ પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ હિન્દુ યુવા સંગઠનના મંત્રી ઘનશ્યામસિંહ સોઢાને આ બનાવની જાણ કરતાં આ ઇજાગ્રસ્ત ગાયને સારવાર માટે ભુજ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ દયાપર પોલીસ સ્ટેશને પશુપાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર બનાવની તપાસ દયાપર પોલીસ મથકના પી.એસ.આઈ કુલદીપસિંહ જાડેજાએ હાથ ધરી છે.