ગાંધીધામના મીઠીરોહર નજીકના ભંગારવાડામાંથી ફૂટેલા કારતુસ મળતા ખળભળાટ
યમન દેશમાં ચાલી રહ્યા ગૃહયુદ્ધમાં વિસ્ફોટકો વપરાયા હોવાનું કચ્છ પોલીસનું અનુમાન

ભુજઃ પાકિસ્તાન જેવા નાપાક દેશને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહરના સતત ધમધમતા રહેતા ઓવર બ્રિજ પાસેના એક ભંગારના વાડામાંથી ૨ ટન જેટલી વિસ્ફોટક સામગ્રી મળી આવતાં પોલીસ તંત્રમાં વ્યાપક દોડધામ થઇ પડી હતી. અલબત્ત તપાસ બાદ તમામ વિસ્ફોટક સામગ્રી ફૂટેલી નીકળતાં રાહતનો દમ લીધો હતો.
આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો અર્થે પેટ્રોલિંગમાં રહેલી પૂર્વ કચ્છ એસ.ઓ.જીની ટીમને ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના ઓવરબ્રિજ પાસે આવેલી સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત થયેલા સ્ક્રેપના જથ્થામાં મોટી માત્રામાં એકે-૪૭, એકે-૫૬ સહિતની આધુનિક ઓટોમેટેડ બંદુકો માટે ઉપયોગમાં લેવામાં આવતા કરતૂસોનો જથ્થો હોવા અંગે માહિતી મળી હતી.
ભંગારવાડા પર લાવ-લશ્કર સાથે દોડી ગયેલી એસઓજીએ સ્ક્રેપની તપાસ કરતાં વિવિધ આધુનિક મશીનગનમાં વપરાતાં કારતૂસો અને ખોખાંનો જથ્થો મળી આવ્યો હતો જો કે, તમામ કારતૂસો ફૂટેલાં હતા અને ખોખાં ખાલી હતાં
આ સ્ક્રેપ કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાંડેની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, એકાદ સપ્તાહ અગાઉ ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા યમન દેશથી લોખંડનો સ્ક્રેપ અહીં આયાત થયો હતો. જે પૈકી અમુક કન્ટેઈનરમાં આવેલાં બે ટન લોખંડના સ્ક્રેપમાં ફૂટેલાં કાર્ટ્રીજ મળી આવ્યાં છે.
હાલ પોલીસે સ્ક્રેપનો જથ્થો સીઝ કર્યો છે. જીવંત કારતુસ મળ્યા નથી. જે મળ્યા છે તેને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે એસ.ઓ.જી પી.આઈ ધીરેન્દ્રસિન્હ ઝાલાએ જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખીય છે કે સાઉદી અરેબિયાના યમન દેશમાં દસ વર્ષથી ખતરનાક હુથી બળવાખોરોએ ત્યાંની સુન્ની સરકાર સામે હિંસક ગૃહયુદ્ધ છેડ્યું છે. કચ્છના ગાંધીધામ સંકુલમાંથી મળેલા આ ખાલી ખોખાં અને કાર્ટ્રીજ ગૃહયુદ્ધ દરમિયાન વપરાતાં શસ્ત્રોના છે તેવું પોલીસ માની રહી છે.
આ પણ વાંચો : ગાંધીધામના ભારાપરમાં કૌટુંબિક સસરાએ ભાઇનું હથોડી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેતાં ચકચાર
બે દાયકા અગાઉ મહાબંદર કંડલા ખાતે પણ યુધ્ધગ્રસ્ત દેશોમાંથી આયાત થયેલાં ભંગારમાંથી વિસ્ફોટક મોર્ટાર સેલ્સ અને ગ્રેનેડ સહિતની ઘાતક સામગ્રીનો જથ્થો મળ્યો હતો. જેને આર્મીના નિષ્ણાતોની મદદથી ડિફ્યુઝ કરાયો હતો.
થોડા વર્ષો પહેલાં ગાંધીધામની ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા મોર્ટર સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના અને તેને કારણે લોકોના મોત થયા હોવાના બનાવો પણ કચ્છમાં ભૂતકાળમાં બની ચૂક્યા છે.