અમદાવાદનાં આંગણે દેશમાં પ્રથમ વખત બોન્સાઈ અને ટોપીયોરી વૃક્ષોનું પ્રદર્શન
અમદાવાદ : અમદાવાદના સિંધુ ભવન રોડ પર અમદાવાદ મ્યુ. દ્વારા બોન્સાઈ અને ટોપીયોરી વૃક્ષોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, આજરોજ સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન બાદ તેને જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ફ્લાવર શો યોજવામાં આવે છે, જેને લોકો દ્વારા ભવ્યથી અતિભવ્ય પ્રતિસાદ મળતો હોય છે ત્યારે આ વખતે અલગ જ વિચાર સાથે અમદાવાદનાં સિંધુ ભવન રોડ પાસે 12 હજાર ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ઝેન ગાર્ડનની ડિઝાઈનમાં બોન્સાઈ અને ટોપીયોરી શૉનું આયોજન કરાયું છે. જેમાં દેશ અને દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોન્સાઈ અને ટોપીયોરી વૃક્ષોને લોકો જોઈ શકશે અને તેને ખરીદી પણ કરી શકશે. જેની કિમત 250 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની જાણવા મળે છે.
આ બોન્સાઈ શૉની વિશેષતા એ છે કે અહી પ્રદર્શિત થતાં મિનિએચર વૃક્ષો 25થી 250 વર્ષનું આયુષ્ય ધરાવે છે. જેમાં ફળ, ફૂલથી માંડીને ઘર અને બાલ્કનીની શોભા વધારતા વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. કુદરતી રીતે 50 કે તેથી વધુ ફૂટ ઊંચાઈ ધરાવતા વૃક્ષો માત્ર 4 કે 5 ફૂટના મિનિએચર તરીકે અહી જોવા મળે છે જેને કુંડામાં લગાડીને ઘરમાં પણ રાખી શકાય છે. પ્રદર્શન તારીખ 4 માર્ચ થી 10 માર્ચ 2024 સુધી સવારે 10 વાગ્યેથી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે જેની ટિકિટ વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામા આવે છે જે ક્યુ.આર. કોડ સ્કેન કરીને ઓનલાઈન ખરીદી શકાશે.