Exclusive Video: અમરેલી ‘લેટર કાંડ’ મુદ્દે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે મુંબઈ સમાચાર પર કર્યો મોટો ઘટસ્ફોટ
અમદાવાદઃ અમરેલી લેટર કાંડ (Amreli letter pad issue) મુદ્દે આજે સાંજે પાટીદાર દિકરીને (Patidar) જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મીડિયા સમક્ષ માત્ર ‘સત્યમેવ જયતે’ આટલું જ બોલી હતી. જે બાદ સહકાર શિરોમણી દિલીપ સંઘાણીએ તેને બેંકમાં નોકરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પાયલ ગોટી નામની પાટીદાર દિકરીનું નામ સમગ્ર કેસમાં ખોટી રીતે આવ્યું હતું. પોલીસે રાજકીય ઈશારે પાયલ સહિતના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યા બાદ આ મુદ્દો માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
આ બાબતે પાટીદાર સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ હતી. આ મામલે દિકરીને યોગ્ય ન્યાય મળે અને તેને બદનામ કરી તેની સાથે હાર્ડ કોર ક્રિમીનલ જેવો વ્યહવાર કરનાર દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી હતી. આ સમગ્ર મુદ્દાને લઈ મુંબઈ સમાચારે પાટીદાર મહિલા અગ્રણી જીગીષા પટેલ તથા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પ્રતાપ દૂધાતે મોટો ઘટસ્ફોટ કર્યો હતો.
જીગીષા પટેલે શું કહ્યું
પાટીદાર મહિલા અગ્રણી અને હ્યુમન રાઈટ્સ સંસ્થાના પ્રમુખ જીગીષા પટેલે કહ્યું કે ફક્ત પાટીદાર સમાજની દીકરી નહીં પરંતુ કોઈ પણ સમાજની દીકરી માટે આ શરમ જનક કૃત્ય કહી શકાય . આ યુવતીના લગ્ન બાકી છે અને ગરીબ પરિવારની દીકરી માત્ર આઠ દસ હજારમાં ભાજપના નેતાને ત્યાં નોકરી કરતી હતી અને હાથો બની છે. સમાજના આગેવાનોએ આ બાબતે આગળ આવવું જોઈએ.
Also read: તંત્રએ કડક કાયદો લાગુ કરવો જ પડશે.. સરકારે દંડો ઉગામવો જ પડશે…
પ્રતાપ દૂધાતે શું કહ્યું
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું કે આ લેટર કાંડ મામલે જયારે સમાચાર મળ્યા કે પાટીદાર યુવતીને હાથો બનાવવામાં આવી છે, ખોટા આરોપો લગાવીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. ત્યાર બાદ અમે યુવતીને ન્યાય અપાવવા મુહિમ ચલાવી અને છેલ્લે યુવતીને કાયદાકીય જામીન અપાવવામાં સફળતા મળી છે. પ્રતાપ દૂધાતે લેટર કાંડ મામલે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે આ લેટર નકલી નથી અને સહી પણ નકલી નથી. આવનારા દિવસોમાં અમે ખુલાસો સાથે આગળ આવીશું.
શું હતો સમગ્ર મામલો
ગત સપ્તાહે સોશિયલ મીડિયામાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામે એક લેટર ફરતો થયો હતો. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટરપેડ પર લખાયો હતો અને તેમની સહી હતી. લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાખો રૂપિયાના હપતા ઉઘરાવતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
લેટર વાઇરલ થતાં જ રાજકીય ખળભળાટ મચ્યો હતો. સ્થાનિક લેવલ પર વાઇરલ કરતાં પહેલાં આ લેટરની કોપી દિલ્હી-ગાંધીનગર પણ મોકલવામાં આવી હતી.. જેના નામે લેટર લખાયો હતો એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ પોતે લેટર ન લખ્યાનું અને આ એક કાવતરું હોવાનું જણાવ્યું હતું.