રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડ સમક્ષ નવા પરીક્ષા કેન્દ્રો અંગેની રજૂઆતો મળ્યા બાદ યોગ્ય ચકાસણીના અંતે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 2023માં રાજ્યના 1580 કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 95નો વધારો થયો છે.
રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે. આ વખતે ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 981 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 26 નવા પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગત પરીક્ષા વખતે ધોરણ-10માં 958 પરીક્ષા કેન્દ્રોમાંથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આમ, ગત પરીક્ષા કરતા આ વખતે 23 પરીક્ષા કેન્દ્રો વધ્યા છે. આમ, ધોરણ-10માં નવા કેન્દ્રો ઉમેરાવા સાથે જૂના કેન્દ્રો રદ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નવા 21 પરીક્ષા કેન્દ્રો સાથે કુલ 547 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 2023માં સામાન્ય પ્રવાહના 482 કેન્દ્રો હતા. આમ, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 65નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં આ વખતે 7 નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાયા છે. આ સાથે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 147 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગત વર્ષની બોર્ડની પરીક્ષા વખતે ધોરણ-12 સાયન્સમાં 140 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે 7 પરીક્ષા કેન્દ્રોનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ધોરણ-10 અને 12ના મળી આ વખતે કુલ 1675 પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. ઉ