જેન્તી ભાનુશાલી હત્યા કેસના મહત્વના આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જામીન મુક્ત

ભુજઃ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા નિપજાવી દેવાના ચકચારી ગુનામાં મહત્વના આરોપી અને માર્ચ ૨૦૧૯થી જેલવાસ ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ગુજરાતની ઉપરી અદાલતે આખરે જામીન અરજી મંજૂર કરી દીધી છે.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરીમાં સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલાં ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં રાજકીય વેર-ઝેરમાં બંદૂકના ભડાકે કરપીણ હત્યા થયાં બાદ મનીષા અને તેનો સાગરીત સુરજીત પરદેશ ઊર્ફે ભાઉ નાસતાં ફરતાં રહ્યાં હતા અને નવેમ્બર માસમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી પકડાયાં હતાં.અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કર્યો હતો પરંતુ તેનું પાલન ના થતાં વડી અદાલતે પ્રિ ટ્રાયલ કન્વિક્શન ગણીને આ કેસની સહઆરોપી મનીષા ગોસ્વામીને ગત ૨૯મી જુલાઈના રોજ પ્રી ટ્રાયલ કન્વિક્શન (આરોપસિધ્ધિ પૂર્વે સજા) ગણીને જામીન મુક્ત કરવાના ચુકાદાના પગલે ભાનુશાલી હત્યા કેસમાં છેલ્લાં પાંચ વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલાં જયંતી ઠક્કર જેવા મુખ્ય આરોપીઓ સહિત હત્યાને અંજામ આપનારા શાર્પશૂટરો, છબીલના ફાર્મહાઉસમાં તેમને મદદ કરનારાં અન્ય મળતીયાઓ માટે પણ જામીન મુક્તિ માટે આશાનું કિરણ ફૂટ્યું હતું.
છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીની જામીન મુક્તિ સાથે હવે આ કેસના મોટાભાગના આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયાં છે. કેસની ટ્રાયલ ભચાઉ સેશન્સ કૉર્ટમાં ચાલી રહી છે.