પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની જેલની સજા, 2 લાખનો દંડ, ખોટા NDPS કેસમાં કોર્ટે ફટકારી સજા

પાલનપુર: પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે, તેમની વિરૂધ્ધ નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને આજે સજા ફટકારી છે. પાલનપુર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા સાથે રુપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનિય છે કે પાલનપુરની સબજેલમાં બંધ સંજીવ ભટ્ટને ગઇકાલે પાલનપુરની સેસન્સ કોર્ટોમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે સંજીવ ભટ્ટ દોષિત જાહેર કર્યા હતા. જોકે, કોઇ સજા સંભળાવવામાં આવી નહોતી. સંજીવ ભટ્ટ સામે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે અફીણ મૂકીને વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 5 સપ્ટેમ્બર 2018ના રોજ સંજીવ ભટ્ટની ભટ્ટની CID ક્રાઈમે ધરપકડ કરી હતી.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુરની એક હોટલ લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવવાનો છે, આ બાતમીને આધારે પોલીસે રેડ પાડીને એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. જો કે તેમના પર આરોપ હતો કે તેમણે વકીલને ફસાવવા માટે અહીં અફીણ મૂકાવ્યું હતું. હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી.