Loksabha 2024: શંકાના દાયરામાં આવી ગયું ઈલેક્શન કમિશન, 24 બેઠકના મતમાં તફાવત

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ફરી વિવાદમાં આપ્યા છે. એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યની 26 બેઠકમાંથી 24 બેઠકના મતોમાં ફેરફાર દેખાઈ રહ્યો છે.
તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થયુ હતું અને દેશની તમામ બેઠકોનું 4થી મેના રોજ પરિણામ આવ્યું હતું. ગુજરાતમાં 26માંથી એક સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં EVMમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા કુલ મતોની સંખ્યામાં તફાવત છે. જેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર દેશ તમામ બેઠકો પરના મતોમાં ફેરફાર જોવા મળતાં એક નવા વિવાદ ઊભો થયો છે.
ગુજરાતની 24 બેઠકોમાં 3100 મતો સુધીનો તફાવત
લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણાં મતોમાં તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ મુજબ ગુજરાતની 26 બેઠકમાંથી 24 બેઠકોમાં આઠથી 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછાં છે. કાં તો જાહેર કરેલાં મતો કરતાં વધુ મત છે. ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193 અને આણંદમાં 1337 મતનો ફરક જોવા મળ્યો છે. જોકે, મતોમાં એટલો તફાવત નથી કે પરિણામો બદલાઈ શકે, પરંતુ ગણતરીમાં ભૂલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા એડીઆરના સ્થાપકએ જણાવ્યું હતું કે ઈવીએમમાં પડેલા મતો, તેમની ગણતરીમાં વિસંગતતાઓ, ચૂંટણી પૂર્ણ થયાના થોડા દિવસો પછી અંતિમ મતદાનની ટકાવારીમાં વધારો, બુથ મુજબના મતદાનની સંખ્યા જાહેર ન કરવી, પડેલા મતોના ડેટા જાહેર કરવામાં અયોગ્ય વિલંબ અને પોતાની વેબસાઇટ પરથી કેટલાક ડેટાને ડિલીટ કરવા અંગે પણ ચૂંટણી પંચ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં જણાવાયું કે સામાન્ય ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત કરતી વખતે અમરેલી, અટીંગલ, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ દીવ સિવાયના 538 સંસદીય મતવિસ્તારોમાં ઇવીએમાં નાખવામાં આવેલા મત અને ગણતરી કરાયેલા મતોમાં નોંધપાત્ર વિસંગતતાઓ જોવા મળી હતી. સુરત સંસદીય બેઠક પર કોઈ હરીફાઈ નહોતી, કારણ કે અહીંથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. આ રીતે 538 સંસદીય બેઠકો પર ઇવીએમમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા મતોમાં 5,89,691 નો તફાવત છે.