Suratની સિવિલ હૉસ્પિટલમાં વિદેશી યુવતી આવતા સૌને લાગી નવાઈ
સુરતઃ ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરવા, ખરીદી કરવા અને ખાવાપીવાની મોજમજા માટે લોકો આવે છે, તેમાં કોઈ નવાઈ નહીં, પરંતુ સુરતની સિવિલ હૉસ્પિટલમાં એક વિદેશી યુવતી આવતા હૉસ્પિટલમાં ચહલપહલ વધી ગઈ હતી. વાત એમ હતી કે નોર્વથી એલા નામની એક યુવતી સુરતની હૉસ્પિટલમાં આવી હતી. આ યુવતી ભારતમાં ફરવા આવી હતી અને સુરત પહેલા મુંબઈની મુલાકાત તેણે મિત્રો સાથે લીધી હતી. મુંબઈમાં એક શેરીમાં રખડતો શ્વાન રમાડવા ગઈ પણ શ્વાને તેને બચકું ભરી લીધું. આથી તેણે ત્યાં એક ઈન્જેક્શન લીધું હતું. તે બાદ પોતાના પ્રોગ્રામ પ્રમાણે તે સુરત આવી હતી. હવે તેણે બીજું ઈન્જેક્શન લેવાનો સમય થઈ ગયો હતો. આથી તેણે સુરત સિવિલ હૉસ્પિટલમાં બીજું ઈન્જેક્શન લીધું હતું. વિદેશી મહેમાન હૉસ્પિટલમાં આવતા સ્ટાફ અને દરદીઓમાં થોડું કૂતુહુલ સર્જાયું હતું. જોકે તે ઈન્જેક્શન લઈ ત્યાંથી નીકળી ગઈ હતી.
આપણે ત્યાં મધ્યમવર્ગ પણ ખાનગી આરોગ્ય સેવાઓ પસંદ કરતો હોય છે ત્યારે આ ઈન્જેક્શન લેવા યુવતીએ સરકારી હૉસ્પિટલ પસંદ કરી હતી. જોકે આ પ્રકારના ઈન્જેક્શન કે વેક્સિન લેવા માટે વધારે વિશ્વસનીય સેવા સરકારી હૉસ્પિટલોમાં જ મળતી હોય છે.