ગુજરાતમાં ટીબી રોજ સરેરાશ 15થી 16 દર્દીના લે છે જીવ
અમદાવાદઃ ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબીને નાથવાની તમામ કોશિશો કેન્દ્ર સરકાર કરી રહી છે. ભારત સહિત વિશ્વને ટીબીમુક્ત કરવાના પ્રયાસો વૈશ્વિક સ્તરે પણ થઈ રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે.
ફેફસાંને અસર કરતો આ રગો વકરી રહ્યો છે. ટીબીનો ઈલાજ શક્ય છે અને તેને અટકાવી શકાય તેવું છે, આ બીમારી એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જૂન સુધીના મહિનામાં 2784 દર્દીઓના ટીબીના કારણે મોત થયા છે. આ આંકડા કહે છે કે રોજના 15થી 16 દરદી ટીબીને લીધે જીવ ગુમાવે છે.
આ પણ વાંચો : કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસના રીપોર્ટ આવે તે પહેલા જ બાળકોના મોતથી ખળભળાટ
ગુજરાતમાં વર્ષે 1.40 લાખથી 1.50 લાખ દર્દીઓ નવા ટીબીના દર્દી નોંધાઈ રહ્યા છે. છેલ્લા સાડા પાંચ વર્ષના દરમિયાન ગુજરાતમાં ડીબીની બીમારીથી કુલ 34384 દર્દીઓના મોત નોંધાયા છે. જેમાં વર્ષ 2019માં 6436, 2020માં 6870, વર્ષ 2021માં 5472, વર્ષ 2022મા 6846, 2023માં 5976 અને 2024માં 2784 જુન સુધીમાં ટીબીથી મોત થયા છે. આ ઉપરાંત ડેગ્યુના 42, મેલેરીયાના ત્રણ, ટાઈફોઈડમા ચાર વર્ષમા 17 દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ મહિનામાં ટીબીથી સૌથી વધુ મોતના મામલે ગુજરાત દેશમા ચોથા ક્રમે છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વિધિવત ડેટા જાહેર કરવામાં આવ્યા છે જેમા તબીબોના કહેવા પ્રમાણે ટીબીના દર્દીની સારવાર દરમિયાન પૌષ્ટીક આહાર ખુબજ આવશ્યક હોય છે. ટીબી માઈક્રોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરીયાના કારણે ફેલાય છે.
કૉંગ્રેસ સાશિત કેન્દ્ર સરકારે DOT નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે દરદીઓને મફતમાં સારવાર અને દવાઓ આપવા માટે હતો. આ પ્રોગ્રામની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ. ત્યારબાદ નક્ષય-મિત્ર નામનો કાર્યક્રમ મોદી સરકારે શરૂ કર્યો જેમાં ટીબીના દરદીને પૌષ્ટિક આહાર આપવા માટે દાનવીરો આગળ આવ્યા. આ પ્રોગ્રામે પણ સારો પ્રતિસાદ મેળવ્યો છે, પરંતુ ટીબીના રોગને નાબૂદ કરવા હજુ સરકારે ઘણી કસરત કરવી પડશે.