આપણું ગુજરાત

ગુજરાતમાં આત્મહત્યા કરતા આટલાને રોક્યા પણ…


આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરે વર્લ્ડ સ્યૂસાઈડ પ્રિવેન્શન ડે-વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે સરકાર સહિત સામાજિક સંસ્થાઓ આ ક્ષેત્રમાં ઘણું કામ કરી રહ્યા છે, તેમ છતાં જીવન ટૂંકાવનારાઓની સંખ્યા વધી રહી છે. આ મામલે સરકાર કરતા પરિવાર અને આસપાસના લોકોની ભૂમિકા વધારે મહત્વની હોય છે. સામી વ્યક્તિને કોઈપણ મામલે નાસીપાસ થાય તેવો વ્યવહાર ન કરતા તેનામાં હિંમત અને જોશ ભરવામા આવે અને તેનામાં જીવનની આશા જગાવવામાં આવે તે જરૂરી છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2019થી 2023 દરમિયાન 3759 લોકોને આત્મહત્યા કરતા બચાવાયા છે. ગુજરાત સરકાર અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ચાલતા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 104 પર છેલ્લા ચાર વર્ષમાં 3759 લોકોના કોલ આવ્યા હતા. તેઓના મનમાં સતત આત્મહત્યાના વિચારો ચાલી રહ્યા હતા અને કાઉન્સેલિંગ દ્વારા તેમને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ માટે માર્ગદર્શન આપીને આત્મહત્યા તરફ દોરતા બચાવાયા છે.
આ સમયગાળામાં આત્મહત્યા નિવારવાના 42% કોલ યુવાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે સૌથી વધુ ડિપ્રેશન અને કૌટુંબિક સમસ્યાઓના સામનો કરી રહેલા 1943 લોકોના કોલ આવ્યા હતા. કુલ ફોન-કોલમાં 2549 કોલ પુરુષો દ્વારા અને 1208 કોલ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ચાર વર્ષમાં 62% કોલ અમદાવાદ (1186), વડોદરા (320), ગાંધીનગર (304), બનાસકાંઠા (297), સુરત (220)માંથી આવ્યા હતા. રાજકોટમાંથી 212 કોલ અને પંચમહાલ, ભાવનગર, આણંદ, મહેસાણામાંથી પણ 100થી વધુ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 100થી ઓછા કોલ આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન પર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં 2020ની સરખામણીમાં 2021માં આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે. એનસીઆરબીના રિપોર્ટ મુજબ, 2021માં ગુજરાતમાં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 6199 પુરુષો અને 2589 મહિલાઓ હતી. 2020માં રાજ્યમાં 8050 લોકોએ આત્મહત્યા કરી હતી. ગુજરાતમાં આત્મહત્યા કરનાર લોકોમાં 3206 દૈનિક વેતન મેળવતા મજૂર હતા. જ્યારે 6282 લોકોની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હતી. આર્થિક ભીંસ ઉપરાંત પારિવારિક કારણો આત્મહત્યા માટે જવાબદાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button