કરોડોના ખર્ચ બાદ પણ ગુજરાતમાં આ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ થતી નથી
અમદાવાદઃ Gujaratને Tourism માટે પ્રમોટ કરવા રાજ્ય સરકાર ઘણી નવા પ્રોજેક્ટ લઈને આવે છે, પરંતુ બધામાં સફળતા મળતી નથી. એક એવો પ્રોજેક્ટ છે જે હંમેશાં વિવાદમાં રહે છે અને તે છે સી-પ્લેન. શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા ફરી શરૂ કરવામાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. આ સેવા 80 દિવસ સુધી કાર્યરત રહી અને આ સમયગાળા દરમિયાન લગભગ 2,100 લોકોએ સી-પ્લેનમાં મુસાફરી પણ કરી.
ગુજરાત સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા ફરી શરૂ કરવામાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. સરકારે ગયા વર્ષે મે મહિનામાં આ અંગેનો પ્રસ્તાવ જારી કર્યો હતો.
રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન બળવંત સિંહ રાજપૂતે વિધાનસભાના વર્તમાન સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે બંધ કરાયેલી સેવા માટે રાજ્ય સરકારે ડિસેમ્બર 2023 સુધીમાં રૂ. 17.5 કરોડનો ખર્ચ કર્યો છે. આ સેવા 80 દિવસ સુધી કાર્યરત રહી અને આ દરમિયાન લગભગ 2,100 લોકોએ સી પ્લેનમાં મુસાફરી પણ કરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સી પ્લેન સેવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં કરી હતી. ત્યારે વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકથી સી પ્લેનમાં બેસીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉતરાણ કરીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં એપ્રિલ 2021માં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તેને ફરીથી શરૂ કરવા માટે ગયા વર્ષે મે મહિનામાં ટેન્ડર પણ બહાર પાડ્યું હતું, પરંતુ કોઈ એજન્સીએ તેમાં રસ દાખવ્યો ન હતો. કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નનો જવાબ રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન બળવંત સિંહ રાજપૂતે આપ્યો હતો.
જોકે, એક પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ચાર સ્થળો માટે આવી સેવા શરૂ કરવાની યોજના છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ અને સૌરાષ્ટ્રમાં શેત્રુંજી ડેમનો સમાવેશ થાય છે.