Gujarat માં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, ડોકટર અને નર્સિંગ સ્ટુડન્ટ પણ ડેન્ગ્યુની ઝપેટમાં

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે. ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં 10 દિવસમાં ડેન્ગયુના 2650થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સને પણ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. હોસ્પિટલ કેમ્પસના પીજીમાં રહેતા 68 થી વધુ સ્ટાફ ડેન્ગ્યુ પોઝિટિવ છે. સતત વધી રહેલા કેસોથી ચિંતાનો માહોલ ફેલાયો છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવી છે.
મેલેરિયાના કેસો પણ વધ્યા
ગુજરાતમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યામાંથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મેલેરિયાના 2150 કેસ, ચિકનગુનિયાના 286 કેસ નોંધાયા છે. સામાન્ય દિવસો કરતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઈન વધુ જોવા મળે છે. જો આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહી આવે તો અગામી સમયમાં રોગચાળો વધુ વકરે તેવી શકયતાઓ છે.
સિવિલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને જ ડેન્ગ્યુ
મળતા અહેવાલ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસના પીજીમાં 68થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે અનેક વખત તંત્રને ફરિયાદ કરી છતાંય સફાઈ થઈ નહોતી. હોસ્પિટલનો સ્ટાફ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફ જ માંદા પડ્યા છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવી છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં ડેન્ગ્યુ મેલેરિયા થતા મચ્છર મળી આવ્યા છે.
સુરતની હાલત વધુ ખરાબ
સુરતની હાલત વધુ ખરાબ બની છે. વહેલી સવારથી જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા દર્દીઓ મજબુર બન્યા છે. સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમા ધરખમ વધારો થયો છે. જેમાં નાના બાળકોમાં કેસ વધારે છે. બે મહિનામાં તાવના શંકાસ્પદ 16 હજાર કેસ નોંધાયા છે. માત્ર ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે.
જામનગરમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો
જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા 450 જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા 550 થી 700 સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
Also Read –