આપણું ગુજરાત

કલોલ શહેરમાં રોગચાળાનો ખતરો: ત્રણ દિવસમાં ૧૦૬ કેસ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પંચમહાલના કલોલ શહેરમાં રોગચાળાનો ખતરો વધ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૬ કેસ નોંધાયા હતા. કલોલના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે ત્રણ દિવસમાં ૧૦૬ ઝાડા ઉલટી દર્દીઓ નોંધાયા છે. ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે નળ વાટે દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. જેના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની શકયતાઓ સેવાઈ રહી છે. કલોલની સિવિલમાં ૧૪ દર્દીઓ ઝાડા ઉલટીના દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં સિવિલમાં ઝાડા ઉલટીના ૩૮ દર્દીઓએ સારવાર લીધી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ પીવાના પાણીની લાઈનો સાથે ગટરના દૂષિત પાણી ભળી જતા કોલેરાનો રોગચાળો ફેલાયો હતો. જેના કારણે અનેક લોકો રોગચાળામાં સપડાયા હતા. જેમાં છથી વધુ લોકોના આ રોગચાળામાં મોત નિપજ્યાં હતાં. ત્યાર બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા સમગ્ર પૂર્વ વિસ્તારમાં પીવાની લાઈનો બદલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ફરીથી અહીં ઝાડા ઉલટીના કેસ વધતા લોકોમા ફફડાટ ફેલાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button