Kandla Portની આસપાસના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર, 250 એકર જમીન ખુલ્લી કરાઇ

Kandla Portની આસપાસના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર, 250 એકર જમીન ખુલ્લી કરાઇ

કંડલા : ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે સરકાર આ વિસ્તારમાં મેગા ડિમોલિશન અભિયાન ચલાવી રહી છે. જેના ભાગરૂપે ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના ક્રીક વિસ્તારમાં કંડલા પોર્ટ(Kandla Port)નજીક ગુરુવારે 580 ગેરકાયદે બાંધકામો તોડી પાડયા હતા. જેમાં મળતી માહિતી અનુસાર શુક્રવારે બાકીના 55 ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તાર ડ્રગ્સની દાણચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો માટે સુરક્ષિત અને ગુપ્ત સ્થળ હતા. આ ડિમોલિશન બાદ કંડલા પોર્ટની આસપાસની 250 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

6 હજારથી વધુ લોકો ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા

કંડલા પોર્ટ પાસે આવેલી આ ગેરકાયદે વસાહતોમાં લગભગ 6 હજારથી વધુ લોકો ગેરકાયદે રહેતા હતા. કચ્છ પોલીસ અને કંડલા પોર્ટ ઓથોરિટી આ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા. કંડલા પોર્ટ વિસ્તારમાં આવેલી પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરીના આરોપીઓ પણ રહેતા હતા. પરંતુ સમયાંતરે દારૂની હેરાફેરી અને ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા ગુનેગારો પણ આશ્રય લેતા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ કંડલા પોર્ટનો આ વિસ્તાર ગેરકાયદે ધંધા, ડ્રગ્સની દાણચોરી અને ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગયો હતો. અહીં રહેતા ગુનેગારો આસપાસના વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરતા હતા.

580 ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા

દરિયાકાંઠાના વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે અન્ય સ્થળોની પણ ઓળખ કરી છે કે જેના પર ટૂંક સમયમાં બુલડોઝર ચલાવવામાં આવશે. પોલીસ અને પોર્ટ ઓથોરિટીએ અત્યાર સુધીમાં પોર્ટની જમીન પર કબજો જમાવીને બાંધેલા 580 ગેરકાયદે કાચા અને પાકા મકાનો તોડી પાડ્યાં છે. પોર્ટ ઓથીરિટીએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 200 થી 250 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે.

કંડલા પોર્ટનો વિશ્વના મુખ્ય બંદરોમાં સમાવેશ થાય છે

ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત કંડલા પોર્ટનું નિર્માણ 1950ના દાયકામાં થયું હતું. તે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ પોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના અખાત ઉપરાંત કંડલા ક્રીક, તુણા પોર્ટ અને વાડીનાર ખાતે ત્રણ અલગ-અલગ સ્થળોએ સ્થિત છે. કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ દેશના આ સૌથી મોટા પોર્ટે આજે વિશ્વના મોટા પોર્ટમાં સ્થાન બનાવ્યું છે. હવે દબાણ મુક્ત જમીન પર પણ તેનું વિસ્તરણ થવાની સંભાવના છે.

Back to top button