એકવર્ષમાં ગુજરાત પોલીસના 2792 કર્મચારીઓને મળી બઢતી

ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક જ વર્ષમાં પોલીસ વિભાગે 2792 કર્મચારીઓને બઢતી આપી છે. વિભાગ દ્વારા સમયસર બઢતી આપીને પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો કરવામાં છે.
કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 2792 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
વર્ષ-2024માં સપ્ટેમ્બર માસ સુધીમાં 312 પી.એસ.આઇને પી.આઇ, 77 એ.એસ.આઇને પી.એસ.આઇ, 1046 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 1129 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 228 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.