સાવધાન! અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીથી ઘરમાં લાગી આગ; ત્રણ લોકોનો બચાવ
અમદાવાદ: અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના લીધે ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. શહેરના વાસણા બેરેજ રોડ પરના એપાર્ટમેન્ટ નજીકના એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સર્જાય હતી. ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી તેવા સમયે શોર્ટ સર્કિટ થઈને આખા રૂમમાં આગ ફેલાઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદના વાસણા બેરેજ રોડ પરના સિદ્ધશીલા ફ્લેટના એક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં ફ્લેટના ત્રીજા માળે મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરીમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા થયા હતા. ત્યારબાદ આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. આ સમયે ઘરમાં હાજર રહેલા ત્રણ લોકો સ્વ બચાવ માટે બેડરૂમમાં આવેલી બારીના છત ઉપર બેસી ગયા હતા. ઘટનાની જાણ જમાલપુર ફાયર સ્ટેશનની ટીમને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવીને પરિવારના ત્રણેય સભ્યોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાંઃ બાળકોની મસ્તી કે તંત્રનો વાંક
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી કે વાસણા બેરેજ રોડ પરના સિદ્ધશીલા ફ્લેટમાં ત્રીજા માળે આગ લાગી છે અને લોકો ફસાયા છે. જમાલપુર ફાયર સ્ટેશનના સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્રીજા માળે બારીની છત પર બે મહિલાને એક યુવક બેઠેલા હતા. ફાયર બ્રિગેડના એક સ્ટાફ દ્વારા સીડી લાવી ત્રણેયને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી.
વાસણા બેરેજ રોડ પરના ફ્લેટમાં ત્રીજા માળે આવેલા મકાનના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રોનિક વ્હિકલ બાઇકની બેટરી ટીવી પાસે આવેલા ચાર્જિંગ પોઇન્ટમાં ચાર્જિંગ માટે મોડી રાત્રે મૂકી હતી અને તેમાં ધડાકા સાથે આગ લાગી હતી. આગ સમગ્ર બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી અને ટીવી ફર્નિચર સહિતનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.