વિસાવદર બેઠક પર કેમ જાહેર ન થઈ પેટા ચૂંટણી? જાણો કોકડું ક્યા ગુંચવાયું છે
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો હાલી ખાલી છે. વિજાપુર,ખંભાત,વાઘોડિયા,માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકના કોંગ્રસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપતા આ સીટો પર પેટા ચૂંટણી કરાવવાની નોબત આવી છે. જો કે સૌથી વધુ રસપ્રદ બાબત વિસાવદર વિધાનસભા સીટની સામે આવી છે. ચૂંટણી પંચે આ બેઠક પર શા માટે ચૂંટણીની તારીખ જાહેર નથી કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું બાદમાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી નથી. તેની પાછળનું કારણ એ છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં કોર્ટે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી નથી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાને હરાવી હરાવ્યા હતા. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.