PM Modiની શાળામાં અભ્યાસ પ્રવાસ માટે પોર્ટલ લોન્ચ, આ રીતે થશે પસંદગી
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય(MoE) એ ‘પ્રરણા’ પોર્ટલ લોન્ચ કર્યું હતું, જેની મદદથી દેશભરના વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરમાં આવેલી જે શાળામાં ભણ્યા હતા તેમાં અભ્યાસ પ્રવાસ માટે જઈ શકશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી શાળાના વિદ્યાર્થીઓને આ શાળામાં સાત દિવસીય અભ્યાસ પ્રવાસ પર જવાની તક મળશે. મંત્રાલયે 9 થી 12 ના ધોરણમાં ભણતા રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરવા અને પ્રોગ્રામમાં ભાગ લેવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે.
આખા વર્ષ દરમિયાન દર અઠવાડિયે 10 છોકરીઓ અને 10 છોકરાઓ સહિત 20 વિદ્યાર્થીઓની બેચ આ કાર્યક્રમમાં ભાગ લેશે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “પ્રેરણા” પોર્ટલનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને અર્થપૂર્ણ, અનન્ય અને પ્રેરણાદાયી અનુભવ પ્રદાન કરવાનો છે અને વિદ્યાર્થીઓને નેતૃત્વના ગુણોથી સશક્ત બનાવવાનો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો અને મૂલ્ય-આધારિત શિક્ષણની ફિલસૂફીને એકીકૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020નો પાયાનો પથ્થર છે.”
IIT ગાંધી નગર દ્વારા તૈયાર કરાયેલ પ્રેરણા સ્કૂલનો અભ્યાસક્રમમાં સ્વાભિમાન અને વિનય, શૌર્ય અને સાહસ, પરિશ્રમ અને સમર્પણ, કરુણા અને સેવા, વિવિધતા અને એકતા, સત્યનિષ્ઠા અને શુચિતા, નવચાર અને જિજ્ઞાસા, શ્રદ્ધા અને વિશ્વાસ, અને સ્વતંત્રતા અને કર્તવ્ય જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં યોગ, માઇન્ડફુલનેસ અને મેડિટેશનના સત્રોનું શેડ્યૂલ પણ હશે. સાંજની પ્રવૃત્તિઓમાં પ્રાચીન અને હેરિટેજ સ્થળોની મુલાકાત, પ્રેરણાદાયી ફિલ્મ સ્ક્રિનિંગ, મિશન લાઇફ ક્રિએટિવ પ્રવૃત્તિઓ, ટેલેન્ટ શો વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલમાં ચલાવવામાં આવશે. શાળામાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. મંત્રાલયના પોર્ટલ મુજબ, પસંદગી ત્રણ તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં, દેશની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 9 થી 12 માં નોંધાયેલા વિદ્યાર્થીઓ તેમની માહિતી આપીને પોર્ટલ પર નોંધણી કરશે. વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી વિગતો અને તેમની વિશેષ સિદ્ધિઓના આધારે, દરેક જિલ્લામાં 200 વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે જેમાં 50 ટકા છોકરીઓ હશે.
બીજા તબક્કામાં, વિદ્યાર્થીઓ “પ્રેરણા માટે મને શા માટે પસંદ કરવામાં આવે” અથવા “ભારતનું મારું વિઝન @ 2047” જેવા વિષયો પર વિવિધ પ્રવૃતિઓ પ્રદર્શિત કરવાની રહેશે જેમ કે શોર્ટ વિડિયો રેકોર્ડિંગ, નિબંધ/કવિતા/વાર્તા લખવી અને અન્ય સર્જનાત્મક અભિવ્યક્તિ (પેઇન્ટિંગ/કેરિકેચર વગેરે).
ત્રીજા તબક્કામાં, બે વિદ્યાર્થીઓ (એક છોકરો અને એક છોકરી) સાથે બે વિદ્યાર્થીઓને રિઝર્વ પેનલ માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે ઈમ્પ્રોમ્પ્ટુ લેખનની પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે.