આપણું ગુજરાત

વિદેશમાં રહેતા શિક્ષીકા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન “ગેરહાજર શિક્ષિકાની હાજરી પૂરનારા પણ દોષિત; સઘન તપાસ કરાશે”

છોટા ઉદેપુર: તાજેતરમાં અંબાજીની એક સ્કૂલનાં મહિલા શિક્ષક વિદેશ હોવા છતાં તેઓનું નામ સ્કૂલમાં ચાલી રહ્યું હોય તેવો ગંભીર બેદરકારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે. જો કે હવે આ મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાને નિવેદન આપ્યું છે.

છોટા ઉદેપુર જિલ્લામાં વન મહોત્સવની ઉજવણીમાં હાજર રહેલા શિક્ષણ પ્રધાન કુબેરસિંહ ડીંડોરને આ શિક્ષિકાના મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે શિક્ષિકા વિદેશમાં રહેતા હોવા છતાં તેમની નોકરી અહી ચાલુ હોવું તે ખૂબ જ ગંભીર બાબત છે. તેમની હાજરી પૂરનારા પણ દોષિત છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો એક જ શિક્ષકનો મુદ્દો ધ્યાનમાં આવ્યો છે અને આ મામલે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આગમો સમયમાં આ મુદ્દે સઘન તપાસ કરવામાં આવશે.

શિક્ષિકાના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે. તો આમાં પણ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે. આ સંપૂર્ણ બાબતે તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં અંબાજી પાસે આવેલી પાંચા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે. તે શાળાએ ભાગ્યે જ આવે છે. એક અહેવાલ મુજબ ભાવના પટેલ પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ છે, છતાં તેનું નામ આ સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે. શાળાના ઈન્ચાર્જ શિક્ષકનું કહેવું છે કે આ શિક્ષક ઈન્ચાર્જ વર્ષમાં એક વાર દિવાળી દરમિયાન આવે છે. તે દિવાળીની રજાઓ માટેનો પગાર પણ લે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button