ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો: સિંગતેલમાં ₹ ૮૦ અને કપાસિયા તેલમાં ₹ ૨૦ ઘટ્યા
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલનાં ભાવમાં ઘટાડો જોવા મળતાં ગૃહિણીઓને થોડી રાહત થઇ છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાતા સિંગતેલ રૂ. ૮૦ અને કપાસિયા તેલ રૂ. ૨૦ ઘટ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. ૮૦ના ઘટાડા સાથે સિંગતેલના ૧૫ કિ.ના ડબ્બાનો ભાવ રૂ. ૨૮૨૦ થયો હતો. જ્યારે કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ ૨૦નો ઘટાડા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૧૫૦૦ પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ આસમાને આંબતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત મળી હતી. સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારી માત્રામાં થયો હતો. હવે માર્કેટિંગ યાર્ડમાં આ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને તેની સીધી અસર સિંગતેલના ભાવમાં પડી હોવાનુ વેપારીઓએ જણાવ્યું હતું.