દિલ્હી અને ગુજરાતમાં ઈડીના દરોડા, બનાવટી વિઝા બનાવી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ

અમદાવાદ: બનાવટી વિઝા અને પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકોને વિદેશ મોકલવાનું ગેરકાયદે રેકેટ ચલાવતા ‘મોટા માથાઓ’ ગણાતા તત્વો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શનિવારે તપાસ હાથ ધરી હતી.
19-20 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં અને ગુજરાતમાં અમદાવાદ, સુરત અને મહેસાણામાં 22 સ્થળોએ તપાસ કરી હતી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદે વિદેશી ઈમિગ્રેશનને મદદ કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર બોબી ઉર્ફે ભરતભાઈ પટેલ, ચરણજીત સિંહ અને અન્યોના ખુલાસા થયા છે.
અગાઉ આ કેસમાં 2022માં ગુજરાત પોલીસ દ્વારા પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ વર્ષના ડીંગુચા કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. જ્યાં કેનેડાથી ગેરકાયદે રીતે USમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ચાર જણના ભારતીય પરિવારનું મૃત્યુ થયું હતું.
આરોપીઓ પર આરોપ છે કે વિવિધ દેશોના વિઝા મેળવવા માટે નકલી અથવા બનાવટી દસ્તાવેજોના આધારે મોટાભાગે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકોને વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, એક પેસેન્જર પાસેથી રૂ. 60-75 લાખ, દરેક દંપતી (પતિ-પત્ની) પાસેથી રૂ. 1-1.25 કરોડ અને જો બાળકો તેમના માતા-પિતા સાથે હોય તો રૂ. 1.25 કરોડ વસૂલ કરતાં હતા.
EDએ કહ્યું કે બે દિવસના દરોડા દરમિયાન ભારતીય ચલણ મુજબ લગભગ 1.5 કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 21 લાખ રૂપિયાની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. ED મુજબ ડિજિટલ અને ડોક્યુમેન્ટરીના રૂપમાં અન્ય ઘણા “ગુનાહિત” પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલ ED કેસ 2015થી ભારતીય નાગરિકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલવામાં તેમની કથિત સંડોવણી બદલ IPC અને પાસપોર્ટ એક્ટ હેઠળ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે.



