કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ રાપર નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…
ભુજઃ ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા સરહદી કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો છે. અતિભારે વરસાદ બાદ નીકળેલી વરાપ અને શ્રાવણ મહિનાના અંતિમ સોમપ્રદોષની પૂર્વ સંધ્યાએ વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૩.૩ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ પણ વાંચો : ભુજ શહેરમાં હરખની હેલી: આ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી કલેકટરે એક દિવસની રજા જાહેર કરી
મધ્યમ કક્ષાના કંપન અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પૂર્વ કચ્છના તાલુકા મથક રાપરથી દક્ષિણ-ઉત્તર દિશાએ ૨૦ કિલોમીટર દૂર કુડા ગામ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો આ આંચકો રિક્ટર સ્કેલ પર અંકિત થયો હતો.આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના સીમાવર્તી વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાસ કરીને કર્કવૃત જ્યાંથી પસાર થાય છે એવા કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. રાપર, ભચાઉ અને પુરાતન નગરી ધોળાવીરા સહિતના વિસ્તારોને સમાવતી વાગડ ફોલ્ટલાઇન વધુ પડતી સક્રિય થઇ છે અને જાન્યુઆરીથી લઇ, સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ભૂકંપના નાના-મોટા સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી, તલાલા, જામનગર અને ઉના, તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકાઓ સમયાંતરે આવી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બની ચૂક્યા છે.