આપણું ગુજરાતગાંધીનગર

સરકારી કચેરીમાં ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે, ગુજરાત સરકારનું આ પોર્ટલ છે ઉપયોગી

ગાંધીનગર: ઈન્ટરનેટ યુગમાં દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે મળી જાય છે. ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને ફાઇલનું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકાય એ માટે ગુજરાત સરકારે મહત્વની સુવિધા શરુ કરી છે. સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવા “ઇ-સરકાર” પોર્ટલ (E-Sarkar Portal) વિકસાવવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગો મળીને વર્ષ 2021 થી 2024 સુધી ઇ-સરકાર પ્રોજેક્ટમાં ઇ-ટપાલ્સની અંદાજિત કુલ સંખ્યા 1 કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે 31 લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. વધુમાં, 1.20 લાખથી વધુ યુઝર્સ નોંધાયા છે.

આ કચેરીઓનો સમાવેશ:
ચાલુ મહિનામાં દરમિયાન “સુશાસન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇ-સરકાર પ્લેટફોર્મમાં સમગ્ર રાજ્યના તમામ 26 સરકારી વિભાગો, ખાતાની વડી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકા સ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોર્ટલનો હેતુ:
ઇ-સરકારનો મુખ્ય હેતુ પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સંકલિત ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ થકી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. ઇ-સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થકી રાજ્ય સરકારના વહીવટની કાર્યક્ષમતા, પારદર્શિતા અને પ્રતિભાવને વધારવાનો છે. રાજ્ય સરકારની ઇ-સરકાર પહેલને વર્ષ 2022માં પ્રતિષ્ઠિત “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” અને વર્ષ 2024માં “15માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…ગુજરાતમાં વધુ એક પરીક્ષાના Paper Leak ની આશંકા , ચાલુ પરીક્ષાએ આન્સર કી વોટ્સએપમાં ફરતી થઈ

હાલમાં, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇ-સરકારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમ કે ડાયરેક્ટ આર.ટી.આઈ. સબમિશન હેઠળ નાગરિકો કોઈપણ ઓફિસમાં આર.ટી.આઈ. એપ્લિકેશન સીધી સબમિટ કરી શકે છે. મેટાડેટા અને ટ્રાન્ઝેક્શનલ પ્રક્રિયા દ્વારા ઝડપી અને વધુ સચોટ દસ્તાવેજની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત ઇ-સરકારમાં વેલીડેશન અને રિપોર્ટ્સ, CMO એક્ઝિક્યુટિવ ડેશબોર્ડ સાથે એકીકરણ, સિલેકટ ઓર્ડર ફાઇલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા “પેપરલેસ ગવર્નન્સ” પ્રણાલી અમલમાં લાવવામાં આવી છે, જેથી કોઈપણ રેકર્ડ અને ફાઈલો કાયમી સ્વરૂપે સાચવી શકાશે અને પારદર્શીતામાં વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button