ઘેરબેઠાં દ્વારકાધીશ મંદિરનો પ્રસાદ આપવાનો દાવો કરતી એપથી ના ભરમાશો, મંદિરના ટ્રસ્ટીઓએ કરી શું સ્પષ્ટતા?

દ્વારકા: જન્માષ્ટમીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભાગીદાર બનવા માટે દ્વારકા પહોંચી રહ્યા છે. જો કે આ દરમિયાન જે શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી શકે તેમ નથી, તેવા શ્રદ્ધાળુઓને સાયબર ગઠિયાઓ પોતાની જાળમાં ફસાવા માટે જાળ પાથરી રહ્યા છે.
હાલ એક એપ્લીકેશન દાવો કરી રહી છે કે ભગવાન શ્રીદ્વારકાધીશના જન્મોત્સવનો પ્રસાદ ઘરે બેઠા મોકલી આપશે. જો કે આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી.
ઘર મંદિર એપ્લીકેશનનો દ્વારા દાવો
મળતી વિગતો અનુસાર શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઘર મંદિર નામની એપ્લીકેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્વારકામાં આયોજિત ભગવાન શ્રીદ્વારકાધીશના જન્મોત્સવનો પ્રસાદ ઓનલાઈન ચુકવણી બાદ ઘરે મોકલાવી આપવામાં આવશે.
જો કે આ મામલે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દાવો ભ્રામક છે અને આવી ખોટી માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન કે અસત્તાવાર વેબસાઇટ પર ભરોસો ન રાખવો તેમજ આવા ફ્રોડથી સાવચેત રહેવા સલાહ આપવામાં આવી હતી.
મંદિર ટ્રસ્ટે દાવાઓનું ખંડન કર્યું
મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભગવાનને જે નિત્યભોગ અને પ્રસાદ ધરાવવામાં આવે છે તે મંદિરના ભોગ ભંડારમાં જ પૂજારી પ્રતિનિધિ અને વારસદાર પુજારી પ્રતિનિધિના માર્ગદર્શનમાં જ તૈયાર થાય છે અને ત્યારબાદ ભગવાનને ધરાવ્યા બાદ મંદિર પટાંગણમાં જ તેનું વિતરણ થાય છે. તે ઉપરાંત મંદિરની સત્તાવાર વેબ્સાઈટ પરથી જ નેકભોગ લખાવી શકો છો. તે સિવાયના અન્ય દાવાઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.

કૃષ્ણના જન્મોત્સવની તૈયારીને આખરી ઓપ
દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે.
જેના પગલે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દ્વારકામા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનના રાખીને પોલીસે ગોમતી ઘાટ અને જગત મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. તેમજ પોલીસે આ વાતને સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો…જય દ્વારકાધીશઃ રેલવે જન્માષ્ટમી પર દોડાવશે આ સ્પેશિલ ટ્રેન…