દ્વારકાના રૂપેણ બંદરથી ઝડપાયું 16.65 કરોડનું બિનવારસી ચરસ
દ્વારકા : રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો વેપલો જામ્યો છે, ગુજરાતમાં આવી ઘટનાઓ જાણે સામાન્ય બનતી જતી હોય તેમ ગતરાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર અને વરવાળા નજીકના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જપ્ત થયેલ જથ્થાનું કુલ વજન 32.053 કિલો છે, જેની અંદાજીત કિંમત 16.65 કરોડ છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર દ્વારકાની નજીકના રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં શંકાસ્પદ પેકેટ મળી આવી હતા. જો કે આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બાદ ઇનચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિની સૂચના અનુસાર પલોસ દ્વારા રાત્રિના સમયે જ તપાસ કરીને જથ્થાને કબજામાં લીધો હતો.
આ પણ વાંચો : દ્વારકાના યુવાનનું દેશની સેનામાં જોડવાનું સ્વપ્ન અધવચ્ચે જ રોળાયું !
હાલ આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસને મળેલા 30 જેટલા પેકેટમાં નશાકારક પદાર્થ ચરસ હોવાનો ખુલાસો થયો છે. જેની કિંમત 16.65 કરોડ રૂપીયા છે. જેને લઈને પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે, બિનવારસી મળી આવેલા ચરસની ઊંડાણપૂર્વકની તપાસ રાત્રે જ એસ. ઓ. જી. ને સોંપવામાં આવી છે. આખા મામલાની દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
જો કે દ્વારકામાં ગતમાસે પણ ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જો કે ગતરાત્રે મળી આવેલા બિનવારસી જથ્થાના મળવાની ઘટનાથી રાજ્યમાં ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરીના તહી રહેલા વેપલાથી ઘણી ચર્ચાઓ જગાવી છે.
ગુજરાત પોલીસની આ કામગીરીને લઈને ગૃહ પ્રધાન સંઘવીએ તેને બિરદાવી હતી. તેમણે સોશિયલ મીડિયા ‘X’ પર ટ્વીટ કરી હતી કે, ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે !
ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે ૧૬ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ૩૦ પેકેટમાં ૩૨ કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફીયાઓને પકડવાની તજવીજ ચાલુ છે.
નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સરાહનીય છે.