આ કારણે વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષ પર મૂક્યો પ્રતિબંધ
વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસ (સપ્તપર્ણી)ના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. પુરા ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે. જેથી આગામી દિવસોમાં પુરા રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લાગી શકે છે. વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો સાથે ઘણાં ગેરફાયદાઓ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. તેનાથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે.
આ વૃક્ષના મૂળ આસપાસના સ્ટ્રક્ચર્સને નુકશાન કરે છે અને જમીનમાંથી વધુ પ્રમાણમાં પાણી શોષે છે. તેથી તેને નુક્શાનકારક ઝાડ ગણવામાં આવે છે. પાકિસ્તાન અને ગલ્ફના દેશોએ તેને મ્યુનિ.ગાર્ડન ડીપાર્ટમેંટમાં તેના વાવેતર માટે પ્રતિબંધિત કર્યુઁ છે. કોનોકૉર્પસ શ્વસન રોગો અને વિભિન્ન ઍલર્જીનું કારણ બને છે. આ વૃક્ષોના મૂળિયા ઘણા મજબૂત હોઇ જમીનમાં ઊંડે સુધી ઉતરીને પાઇપલાઇનોને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત આસપાસની દિવાલો અને બાંધકામને પણ કોનોકૉર્પસથી નુકસાન પહોંચવાની ભારે શક્યતા છે. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂજળ શોષી લે છે. વનસ્પતિશાસ્ત્રીઓના દાવા મુજબ કોનોકૉર્પસ માણસનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. અનેક દેશોએ તેના ખરાબ ગુણધર્મોને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેલંગાણા સરકારે તાજેતરમાં જ ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત ‘હરિતા વનમ્’ નર્સરીમાં કોનોકૉર્પસ ન ઉગાડવાનો લેખિત આદેશ આપ્યો છે. કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોએ તેની આયાત પર અંકુશ મૂક્યો છે.