તા. ૮થી ૧૦મી જાન્યુ. કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં માવઠાનું સંકટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમને લીધે માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. તા.૮થી ૧૦મી જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગમાં અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે. આગામી ૮થી ૧૦ જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની સંભાવના છે. ૮મી જાન્યુઆરીના રોજ નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. ૯મી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે. તેમજ ૧૦મી જાન્યુઆરના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે પાકને નુકસાન થઇ શકે છે. હવામાન આંશિક ઠંડું, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા હોવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પૂર્વે બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.