આપણું ગુજરાત

ગુજરાતમાં સૂકી નદીઓને પુન: જીવિત કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ને ખુલ્લો મૂક્યો હતો. આ તકે ગુજરાતની તમામ સૂકી નદીઓને જીવંત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના ઉપક્રમે ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના અનેકવિધ કાર્યો સંપન્ન થયા છે. જેને વધાવવા તથા પ્રવાસનને વેગ આપવાના હેતુસર અહીં પચીસ નવેમ્બર સુધી જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જળ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો મુખ્યપ્રધાનનો સંકલ્પ છે. આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજા પ્રદેશની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે. રાજ્યની સૂકી નદીઓને પુન: જીવિત કરવા મુખ્યપ્રધાને સંકલ્પ લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત રાજ્યની સંકલ્પના સાકાર કરવા ઔદ્યોગિક ક્રાંતિની ઝડપ વધારવામાં આવશે. તેનો આધાર વીજળી અને પાણી છે. તેના અભાવને કાયમ માટે રાજ્યમાંથી દૂર કરવામાં આવશે.
આ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે, તેવું સરસ આયોજન અહીં થયું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. આ માટે નાનામાં નાના, છેવાડાના માણસને સરકારી મળવાપાત્ર બધી યોજનાઓનો લાભ મળે તેવા સેચ્યુરેશન પોઈન્ટ સાકાર કરવાના પ્રયત્નો આ યાત્રામાં કરાઈ રહ્યા છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ ગુજરાત વિકસિત બનશે. જળ સંચય અને જળ સંરક્ષણ સાથે જળ જતન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીને પ્રસાદની જેમ વાપરવા કરેલા આગ્રહનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાન બધાને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની પણ અપીલ કરી હતી.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker