આપણું ગુજરાત

Kutch માં માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત, 7.59 લાખના પોષડોડાના જથ્થો ઝડપાયો

ભુજઃ કચ્છ(Kutch)જિલ્લામાં માદક પદાર્થ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અંજાર તાલુકાના રતનાલ નજીક આવેલી હોટલમાં દરોડો પાડી પોલીસે રૂ. 7.59 લાખના પોષડોડાના જથ્થા સાથે હોટલ સંચાલકની અટક કરી હતી. પોલીસે ટ્રક, મોબાઇલ અને વજનકાંટા સહિત રૂ. 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજસ્થાનથી માદક પદાર્થ મંગાવી છૂટક વેચાણ કરતો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અંજારના ખેડોઇ નજીક એલસીબીની ટીમે માદક પદાર્થ ઝડપ્યા બાદ થોડાક જ દિવસમાં સ્થાનિક પોલીસે રતનાલ નજીક આવેલી હોટલમાં બાતમીના આધારે દરોડો પાડી રૂ. 7.59 લાખના પોષડેડાના જથ્થા સાથે હોટલ સંચાલકની અટક કરી હતી. આરોપી રાજસ્થાનથી માદક પદાર્થ મંગાવી છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી.

હોટલના સંચાલક રામારામ મુલારામ ચૌધરીની પુછપરછ કરી

પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાત્રી પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે રતનાલ નજીક આવેલી રામદેવ હોટલ રાજસ્થાનીનો સંચાલક પોતાની હોટલમાં માદક પદાર્થનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે સરકારી પંચો અને અંજાર પોલીસ મથકની ટીમ સાથે ઇન્વેસ્ટીગેશન કિટ તૈયાર કરી રતનાલ નજીક આવેલી એક રાજસ્થાની હોટલમાં પહોંચી હોટલના સંચાલક રામારામ મુલારામ ચૌધરીની પુછપરછ કરી હોટલની તલાસી લીધી હતી.

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ દરમિયાન બહાર ઉભેલી ટ્રકમાં તપાસ કરતાં તાડપત્રી દૂર કરતાં જ તેમાંથી રૂ. 7,59,435 ની કિંમતના 253.145 કિલોગ્રામ પોષડોડાના ઠાલિયા અને પાવડરનો જથ્થો મળી આવતાં આધાર પુરાવા માગતાં તે તેની પાસે ન હોઇ પોલીસે ટ્રક, મોબાઇલ અને વજનકાંટા સહિત રૂ. 12,66,485 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં પોતે રાજસ્થાનના બાડમેરના ધર્મારામ ચૌધરી પાસેથી લઇ આવી અહીં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત આરોપી રામારામે કરી હતી.પોલીસે તેની અટક કરી મોકલનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button