નશા-મુક્ત ગુજરાત' સંકલ્પ: ભરૂચમાં ₹ ૩૮૧ કરોડના ડ્રગ્સનો કરાશે નાશ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પ: ભરૂચમાં ₹ ૩૮૧ કરોડના ડ્રગ્સનો કરાશે નાશ

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સનો નાશ; ૯૨ પોલીસ જવાનોનું થશે સન્માન

ગાંધીનગર/ભરુચઃ ‘નશા-મુક્ત ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આવતીકાલે ભરૂચમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ₹ ૩૮૧ કરોડથી વધુની કિંમતના ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે ભરૂચ ખાતે એક ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીંના કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹ ૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.

વિજયાદશમીના પર્વ પર રાવણરૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું, તે જ રીતે સમાજમાં યુવાનોને નબળા બનાવનાર ડ્રગ્સરૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: નશામુક્ત ગુજરાત: કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ના આહ્વાન અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાશે.

ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: નશામુક્ત ગુજરાત અભિયાન સંદર્ભે રાજકોટમાં NDPS આરોપી મેન્ટર પ્રોગ્રામ યોજાયો

જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર 1933ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ પ્રધાનના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવશે.

રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, ૭ મોટા કેસમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹ ૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે અને ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button