
ખેડા જિલ્લામાં પાંચ યુવાનના શંકાસ્પદ મોત માટે નશીલી આયુર્વેદિક સિરપને જવાબદાર માનવામાં આવે છે અને તે બાદ રાજ્યની પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી મોટો જથ્થો આ સિરપનો મળી આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે.
સુરેન્દ્રનગરમાં પણ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક એક ગોડાઉનમાંથી આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે જાણકારી અનુસાર 15,000થી વધુ સિરપની બોટલોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને એક જાણકારી અનુસાર આ કુલ જથ્થાની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજથી 2 મહિના પહેલા પણ મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડની સિરપની બોટલોને પોલીસતંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય આજે પોલીસ ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરી દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને આજે પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપનું વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગની ટીમો દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.મા6 સુરેન્દ્ર નગર જ નહીં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ ત્રાટકી છે.
આ સાથે આ પ્રકારે કોઈપણ સિરપનું સેવન ન કરવાની લોકને સલાહ આપવામાં આવી છે અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન બાદ જ સિરપ કે દવાઓ લેવામા આવે તેવી સલાહ પણ આપવામા આવી છે.