અમદાવાદનું ડ્રોનથી મોનિટરિંગ: શહેરના રસ્તા પરની પ્રવૃત્તિ, ગેરકાયદેસર પાર્કિંગ, દબાણની વિગતો મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના વિવિધ રોડ રસ્તાનું ડ્રોનથી મોનિટરિંગ કરશે. મુખ્ય રસ્તાઓ પર ડ્રોનથી સર્વેલન્સ કરી રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ, દબાણો, વૃક્ષોની જાળવણી, ફૂટપાથ, રોડલાઇન વગેરે અંગે માહિતી મેળવાશે. જેના આધારે રોડ પર જે પણ સમસ્યાઓ છે તેને દૂર કરવાનું આસાન થઇ જશે. પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં બેએક રોડ ઉપર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોનથી સર્વે કરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે હવે ડ્રોનથી સર્વેલન્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં સાયન્સ સીટી રોડ અને આશ્રમ રોડ પર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરને ડ્રોનથી કરવામાં આવેલા સર્વેલન્સ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર સમારકામ, ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ, વોલ ટુ વોલ રોડ, ડિવાઇડર, સર્કલ વગેરે કેવી પરિસ્થિતિમાં છે અને તેમાં કોઈ ફેરફાર કરવો જોઈએ કે કેમ તે અંગે સમગ્ર બાબતનું મોનિટરિંગ કરી તેના પર નિર્ણય લેવામાં આવશે. આખા શહેરમાં ડ્રોનથી સર્વેલન્સ કરાશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. નવા રોડ બનાવવા, ગટર- ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન નાખવી વગેરે કામગીરીનું સતત મોનિટરિંગ ડ્રોનથી કરવા તેમજ રોડ ઉપર થતાં ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો અંગેની ક્યા વિસ્તારમાં કેવાં દબાણો છે તે જાણવામાં આવશે. ડ્રોનથી સર્વેલન્સ કર્યા બાદ તેના ફૂટેજ ઉપરથી કામગીરી કરાવવામાં સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. હાલમાં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ બે રોડ ઉપર સર્વેલન્સ કરાયો છે.