વડોદરામાં દક્ષિણ ઝોનમાં આજથી પાંચ દિવસ માટે પીવાના પાણીનો કકળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં નડતરરૂપ પાણીની લાઈન હટાવવાની કામગીરીને કારણે ૫મી જાન્યુઆરીથી ૮મી જાન્યુઆરી સુધી દક્ષિણ ઝોન વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ સર્જાશે. દક્ષિણ ઝોન વિસ્તારમાં કામગીરીના પગલે અંદાજે ત્રણ લાખ લોકોને અસર થશે. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી હળવા પ્રેશર સાથે સમય કરતા ઓછું અને વિલંબથી મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં પાણી પુરવઠા શાખા દ્વારા વડસર રેલવે બ્રિજ નીચે હયાત પુશીંગ વાળી ૬૦૦ એમએમ વ્યાસની નળીકામાં લીકેજ દુરસ્તીના કામે નળીકા બદલવાની કામગીરી ૫મીથી હાથ ધરવાની છે.
જેથી તારીખ ૬થી ૭ સુધી માંજલપુર ટાંકીથી સવારે ૬થી ૭ ક્લાકના સમયે પાણી મેળવતા વિસ્તાર વડસર રેલ્વે ટ્રેકથી વિશ્ર્વામિત્રી રેલવે ટ્રેક સ્ટેશનની પશ્ર્ચિમ તરફનો વિસ્તાર બિલ્લાબોંગ સ્કૂલની સામે તેમ જ પાછળ આવેલા સોસાયટી વિસ્તાર, સૂર્યદર્શન ટાઉનશીપની આજુબાજુની સોસાયટી વિસ્તાર, વિશ્ર્વામિત્રી ટાઉનશીપની આજુબાજુનો વિસ્તારમાં પાણી વિતરણ હળવા દબાણથી તેમ જ નિયત સમય કરતા વિલંબથી, ઓછા સમય માટે કરવામાં આવશે. જીઆઈડીસી રોડ ટાંકીથી સવારે ૯થી ૧૦ કલાકના સમયે પાણી મેળવતા તુલસી ટાઉનશીપથી વડસર ગામ, વડસર ગામથી બિલ્લાબોંગ સ્કૂલ ચાર રસ્તા સુધીનો આજુ-બાજુના વિસ્તારમાં પાણી વિતરણ નિયત સમય કરતા વહેલા સવારે ૬થી ૭ના સમયમાં હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે.