રાતોરાત Saurashtra Universityના ઇન્ચાર્જ કુલપતિ પદે નીલાંબરી દવેને હટાવી ડૉ. કમલ ડોડીયાને સોંપાયો ચાર્જ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાયમી કુલપતિની જાહેરાત કરવાની વાતોની વચ્ચે રાતોરાત જ તેના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદેથી નીલાંબરી દવેને (Nilambari Dave) હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ PDU મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડૉ. કમલ ડોડીયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે તાત્કાલિક કુલપતિ પદેથી નીલાંબરી દવેને હાટવી દેવામાં આવતા ચર્ચાઓ જાગી છે.
ઓકટોબર 2023માં નવરાત્રીમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીભ ભીમાણીને પણ આવી જ રીતે રાતોરાત ઇન્ચાર્જ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. આવી જ તાત્કાલિક અસરથી જ નીલાંબરી દવેને હટાવી દેવામાં આવ્યા છે. જો કે એકતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ આપવાની વાત થઈ રહી છે ત્યારે ફરીથી ઇન્ચાર્જ કુલપતિને પદ પરથી હટાવીને નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ ડૉ. કમલ ડોડીયાને સોંપવામાં આવ્યો છે.
હાલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પદેથી હટાવવામાં આવેલ નીલાંબરી દવેને વિજયભાઈ રૂપાણી જૂથનાં નજીકનાં હોવાનું કહેવાતું હતું. અગાઉ એક વખત ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યાં છે . હાલ ઇન્ચાર્જ કુલપતિના પદનો જેમનો ચાર્જ જેમને સોંપાયો છે તેવા ડો. કમલ ડોડિયા હાલ રાજકોટની PDU મેડિકલ કોલેજમાં આંખના વિભાગના પ્રોફેસર છે. ડો. કમલ ડોડિયાને વર્ષ 2018માં ફેબ્રુઆરીથી મે મહિના સુધી કુલ 4 મહિના સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.