આપણું ગુજરાત

કેન્દ્રીય પ્રધાન હોવાનો રોફ બતાવ્યો, સુરેન્દ્રનગરમાં પૂર્વ સાંસદના ગેરવર્તનનો વીડિયો વાયરલ

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરા ફરી એક વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના જ પરિવારની એક મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને અભયમની ટીમને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાએ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

સાંસદ મુંજપરાએ અભયમની ટીમ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું

મળતી વિગતો અનુસાર 13 મેના રોજ બપોરે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પરથી 181 અભયમની ટીમને મદદ માટે ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલા મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પૂર્વ સાંસદ મુંજપરાએ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને તેમને સસ્પેન્ડ કરવાની તેમજ પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

તમામને સસ્પેન્ડ કરાવીશ

વાયરલ વીડિયોમાં ડો. મહેન્દ્ર મુંજપરા અભયમની ટીમને કહેતા સંભળાય છે, “તમે અહીં જેટલા આવ્યા છો તે તમામને સસ્પેન્ડ કરાવીશ, એસપીને ફોન કરું છું. તમારી ફરજ શું છે? કેન્દ્રીય મિનિસ્ટર હતો, તમારા સચિવ પણ ફફડે છે મારાથી. આ ઘટના બાદ મામલો બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે પણ આ મામલે મીડિયા સામે અભયમની ટીમ સાથે ઉદ્ધતાઈભર્યા વર્તનનો સ્વીકાર કર્યો હતો પરંતુ મહેન્દ્ર મુંજપરા વિરુદ્ધ નિવેદન આપવાનું ટાળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button