‘ધોતિયા કાંડ’માં 29 વર્ષ બાદ કોર્ટે પૂર્વ સાંસદને આપી રાહત, જાણો શું હતો રાજકીય ઇતિહાસ?

અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના એક સમારોહ દરમિયાન ગુજરાતના તત્કાલિન પ્રધાન આત્મારામ પટેલની ધોતી ખેંચવાના મામલે 29 વર્ષ બાદ કેસમાં આરોપી એવા પૂર્વ સાંસદ ડૉ. એ. કે. પટેલ (અમૃતલાલ કાળીદાસ પટેલ) વિરુદ્ધનો કેસ પરત ખેંચવા માટે સેશન્સ કોર્ટે મંજૂરી આપી હતી.
સરકાર પક્ષ તરફથી પૂર્વ સાંસદ એ. કે. પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી, જેમાં એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ આ હુકમ કર્યો હતો. આમ, 29 વર્ષ બાદ કેસના છેલ્લા બચેલા આરોપી પૂર્વ સાંસદ એ. કે. પટેલ વિરૂદ્ધનો કેસ પણ પાછો ખેંચાઈ જતા ધોતિયા કાંડ કેસ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
સુનાવણી દરમિયાન જ પીડિત અને એક આરોપીનું અવસાન થયું હોવાથી સરકારી વકીલે કેસને બંધ કરવાની અપીલ કરી હતી. આ કેસમાં અન્ય એક ભાજપના નેતા મંગળદાસ પટેલ પણ આરોપી હતા, જેમનું નિધન થઈ ચૂક્યું છે. જ્યારે, પીડિત આત્મારામ પટેલનું પણ નિધન થઈ ચૂક્યું છે.

વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં એક અજીબ ઘટના બની હતી, જેને ‘ધોતિયા કાંડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનામાં ભાજપના જ કાર્યકર્તાઓએ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સહકારી આગેવાન આત્મારામ પટેલનું ધોતિયું ખેંચીને તેમનું અપમાન કર્યું હતું. આ સમયે આત્મારામ પટેલ ભાજપ છોડીને શંકરસિંહ વાઘેલાના પક્ષમાં ગયા હતા.
1995માં જ્યારે ગુજરાતમાં પહેલીવાર ભાજપની સરકાર બની, ત્યારે કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે, એવું કહેવાતું હતું કે સરકારના નિર્ણયો મુખ્ય પ્રધાન નહીં, પરંતુ ભાજપના મહામંત્રીઓ લેતા હતા. આ વાતનો IAS અને IPS અધિકારીઓએ પણ વિરોધ કર્યો હતો, જેને શંકરસિંહ વાઘેલાએ પણ ટેકો આપ્યો. આના કારણે કેશુભાઈ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે મતભેદો ઊભા થયા હતા.
આ મતભેદો પછી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો અને સરકારને પાડવા માટે વાસણા ગામમાં ધારાસભ્યોનો કેમ્પ કર્યો. ત્યાર બાદ 40-45 ધારાસભ્યોને વિમાન દ્વારા મધ્ય પ્રદેશના ખજુરાહો લઈ જવામાં આવ્યા, જે ઘટના ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ‘ખજુરાહો કાંડ’ તરીકે પ્રખ્યાત થઈ હતી.
ખજુરાહો કાંડ પછી અટલ બિહારી વાજપેયીએ મધ્યસ્થી કરીને એક સમાધાન કરાવ્યું અને સુરેશ મહેતાને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, પરંતુ સંઘના મૂળ કાર્યકર્તાઓને આ વાત પસંદ ન આવી. તેમણે વાજપેયીનો પણ વિરોધ શરૂ કર્યો અને ‘વાજપેયી કી ધોતી 7 કરોડ મેં બિકી’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

ધોતિયા કાંડનો ઇતિહાસ
1996માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીત્યા બાદ વડા પ્રધાન બન્યા હતા. તેમના સન્માન માટે 20 મે, 1996ના અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વાજપેયીનું સંબોધન શરૂ થતાં જ ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
અહીં સભા પૂરી થતાં જ કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા અને જે પણ મોટા નેતા હાથમાં આવ્યા, તેમનું અપમાન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પ્રધાન આત્મારામ પટેલને ટોળાએ નિશાન બનાવ્યા. એક તોફાની કાર્યકર્તાએ તેમને ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા. એટલું જ નહીં, તેમને માર મારીને તેમનું ધોતિયું ખેંચી લીધું. આખરે પોલીસ આવતા તેઓ ત્યાંથી ભાગી શક્યા હતા.
આ ઘટના પાછળ મોટા નેતાઓની ભૂમિકા હોવાનું પણ કહેવાય છે. આ કાંડ માટે ખાસ કરીને ખાડિયાના યુવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી અને કોને ટાર્ગેટ કરવા તે પહેલેથી જ નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નેતા ડૉ. પ્રવીણ તોગડિયાને પણ બિનજામીનપાત્ર વોરંટ મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…PMના ગુજરાત પ્રવાસ બાદ થશે મોટો નિર્ણય? પ્રધાનમંડળ ‘વિસ્તરણ’ની અટકળો બની તેજ…