અમદાવાદમાં ડબલ ડેકર એસી બસ સેવાનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : શહેરમાં આશરે ૩૦ વર્ષ પછી ફરી લોકોએ ડબલ ડેકર બસની મજા માણી હતી. એએમટીએસ દ્વારા અમદાવાદના રસ્તા પર ફરી એકવાર એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી હતી. અમદાવાદના મેયરના હસ્તે શનિવારે બસનું ફ્લેગઑફ કરાયું હતું. મોટી સંખ્યામાં મનપાના પદાધિકરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઊમેરાયું હતું. અમદાવાદ શહેરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડતી થઈ હતી. તાજેતરમાં જ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતું. લંડનથી પાંચ એસી ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવવામાં આવી હતી. લાંબા સમય બાદ પ્રથમ ડબલડેકર બસ શહેરમાં શરૂ થયેલી પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ આરટીઓ સુધી બસ દોડાવાશે. ખાસ વાત તો એ છે કે, આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટિકિટો તથા પાસ માન્ય રહેશે. જેની આગામી દિવસોમાં સંખ્યા વધારવામાં આવશે. આ ઈલેક્ટ્રિક બસ એકવાર દોઢ કલાકમાં થશે ચાર્જ અને ૨૦૦ કિમી. સુધી ચાલશે.