કોલકતા દુષ્કર્મ-હત્યા કેસ અંગે ગુજરાતમાં ડોક્ટર્સમાં રોષ, આજે સરકારી હોસ્પિટલોમાં હડતાળ
અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા(Kolkata rape and murder case)નો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પણ કોલકાતાની ઘટનાનો વિરોધ નોંધાવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. પણ ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.
હોસ્ટેલથી કોલેજ સુધી રેલી યોજાઈ:
ગઈકાલે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને PG હોસ્ટેલની કેન્ટીન પાસેથી એકઠા થઈ રેલી યોજી હતી. બીજે મેડિકલ કોલેજ સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં ડોક્ટરોએ સૂત્રોચાર સાથે ન્યાયની માગ કરી હતી. ડોક્ટરો પર થયેલા હુમલા મામલે પણ સૂત્રોચ્ચાર સાથે ડોક્ટરો પર થયેલા હુમલા મામલે પણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.
OPD અને વોર્ડ સર્વિસ અનિશ્ચિત સમય સુધી બંધ:
કોલકતાની બનાવના પગલે આજે સવારે ફરીથી જુનિયર ડોક્ટર બીજે મેડિકલ કોલેજમાં એકઠા થશે અને ધરણાં કરશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજે અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઈમર્જન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબો હડતાળ પર:
આ ઉપરાંત વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ટર્ન, જુનિયર અને વરિષ્ઠ ડોક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન-ઇમર્જન્સી તબીબી સેવાઓથી દૂર રહેશે.. જ્યા સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માગણીઓ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ સમર્થનમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 400 જેટલાં તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો હડતાળનો નિર્ણય:
બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં 24 કલાકની હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટનાના વિરોધમાં દેશભરના ડોક્ટર શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી હડતાળ કરશે. ઇમરર્જન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે. આ સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.