દિવાળી મનાવો દીવમાંઃ હવે અમદાવાદથી મળશે સીધી ફ્લાઈટ
દીવને લોકો છોટા ગોવા તરીકે જ ઓળખે છે. દીવમાં પર્યટનના ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે અને અહીં વોટર રાઈડ્સ માટે પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે હવે અમદાવાદથી સીધી દીવની ફ્લાઈટ આ પર્યટકોને મળવાની છે. આ ઉપરાંત ગુજરાતના પર્યટકો તેમજ ધંધાર્થે બહારગામ જતા ગુજરાતીઓને કેટલીક વધુ ફ્લાઇટ્સ અને સાનુકૂળ સમયપત્રકનો લાભ આ શિયાળામાં મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા શિયાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ અમદાવાદથી દીવ, જેસલમેર અને આગ્રાની સીધી ફ્લાઇટ શરૂ કરાઇ છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓએ આ ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. આમ તહેવારો પર સીધી ફ્લાઇટની સગવડ મળતા પ્રવાસીઓના આનંદમાં વધારો થશે.
આ ઉપરાંત 1 ડિસેમ્બરથી મલેશિયાની એરલાઇન્સ કંપની દ્વારા અમદાવાદથી કુઆલાલમ્પુર સીધી ફ્લાઇટ શરૂ થવાની પણ શક્યતાઓ છે. જેમાં પ્રવાસીઓને દર અઠવાડિયે 4 સીધી ફ્લાઇટ્સની સુવિધા મળશે. આ સિવાય અમદાવાદથી સિંગાપોર સીધી ફ્લાઇટ પણ ઉપલબ્ધ થઇ ગઇ છે. આ સાથે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 7 એરલાઇન્સ સાથે 39 દેશની અંદરના સ્થળો તેમજ 18 એરલાઇન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ થઇ ગયું છે.