તહેવારની સિઝન જામી; ગુજરાત એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગ માટે મુસાફરોનો ધસારો
અમદાવાદ: ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ તેમજ બસ ટ્રેકીંગ સહિતની સુવિધાઓ તથા વોલ્વો સર્વિસને કારણે ગુજરાત ST બસ મુસાફરો માટે પહેલી પસંદ બની રહી છે. દિવાળીમાં આ વર્ષે એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરના 9 થી 13મી ઓક્ટોબરના છેલ્લા પાંચ દિવસમાં જ રૂ. 9.60 કરોડની કુલ 3,97,290 ટિકિટો એડવાન્સમાં બુકિંગ થઈ છે. ત્યારે મુસાફરોના મિજાજ જોતા આ વર્ષે દિવાળીના તહેવારમાં ભારે ધસારો થવાની શક્યતા છે.
એક જ દિવસમાં નિગમને 1.97 કરોડની આવક:
હાલ અમદાવાદ ગીતા મંદિર સ્ટેશને રોજની પાંચકે હજાર ટિકિટો કાઉન્ટરો પરથી એડવાન્સ બુક થઈ રહી છે. જેના માટે મુસાફરોના ભારે ધસારા વચ્ચે પડાપડીના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. અમદાવાદમાંથી સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ બુકિંગ થયા છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ તેમજ અમદાવાદ અને સુરતથી દાહોદ-ગોધરા માટેના બુકિંગમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે. ગત 13મી ઓક્ટોબરે એક જ દિવસમાં 83,576 ટિકિટો બુક થઇ હતી. જેના થકી નિગમને 1.97 કરોડની જંગી આવક થવા પામી હતી.
હાલમાં રોજની 75 હજારથી વધુ ટિકિટોની બુકીંગ:
સામાન્ય દિવસોમાં રોજ 55 હજારથી 60 હજાર ટિકિટોનું એડવાન્સ બુકિંગ થતું હોય છે, પરંતુ હાલમાં રોજની 75 હજારથી વધુ ટિકિટો બુક થઇ રહી છે. ગત 9મી ઓક્ટોબરે 77,401 ટિકિટ બુક થઇ હતી. તેવી જ રીતે અનુક્રમે 10મીના રોજ 75,637 , 11મીના રોજ 77,607, 12મી ઓક્ટોબર ના રોજ 83,069 ટિકિટ બુક થઇ હતી. હાલ ઓનલાઇન એપ અને વેબસાઇટ પરથી બુકિંગ કરવા પર એક ટકો ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજી તરફ સ્ટેશનો પર જઇને કાઉન્ટરો પરથી પણ બુકિંગ કરાવવા માટે મુસાફરોની ભારે ભીડ છે.