આપણું ગુજરાત

ગુજરાતમાં ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ વર્ગ-3 અને વર્ગ- 4ના કર્મચારીઓના વર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ઓક્ટોબર મહિનાથી જ અમલ થશે એટલે કે નવેમ્બરમાં કર્મચારીઓનો જે ઓક્ટોબર મહિનાનો પગાર આવશે તે વધારા સાથેનો આવશે.


આ અંગે કેન્દ્રીય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલો આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે.


આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button