બજારમાં દિવાળીની રોનક: દિવાળી પૂર્વે ભુજની ગુજરી બજારમાં ખરીદીની ધૂમ

ભુજ: દિવાળીના પર્વને શરૂ થઇ ગયેલા કાઉન્ટડાઉન વચ્ચે શહેરો અને ગામોની બજારોમાં કે મેટ્રો સીટીના શોપિંગ મોલમાં, વિવિધ ઓનલાઇન શોપિંગ પોર્ટલોમાં ખરીદીની આતશબાજી શરૂ થઇ ચુકી છે. શોપિંગ મોલનાં રૂઆબ અને શહેરી બજારોના આંખ આંજી નાખતા શણગાર વચ્ચે ભંગાર બજારોની રોનક પણ કાંઈ ઓછી નથી. તવંગરો-મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો તો હાથમાં થેલા લઈને પરંપરાગત બજારોમાં મહાલી રહ્યા છે પણ ગરીબ પરિવારો, ભંગાર ચીજ વસ્તુઓ વહેંચતા ફેરીયાઓના થડા કે હાથલારીઓમાંથી દિવાળી માટે કોઈક સરપ્રાઈઝ આઇટેમ ખોળી કાઢે છે.
ભુજની ભીડ બજારમાં દર રવિવારે, અમદાવાદમાં ભરાતી ગુજરી બજાર જેવી એક બજાર ભરાય છે જેમાં હવે દિવાળીની રોનક દેખાઈ રહી છે. પાંચ નાકાં અને છઠ્ઠીબારી ધરાવતા ઐતિહાસિક શહેર ભુજના લેન્ડમાર્ક સમી આ ભીડ બજારમાં આવેલા રાજાશાહી જમાનાના ચબુતરા આસપાસ એક સમયે રાજકીય સભાઓ યોજાતી અને દિવસના ભાગે ટ્રક-ટેમ્પોથી ઉભરાતા.
આ વિસ્તારમાં અનાજ-કરીયાણા રસકસના વેપારીઓ હાથમાં અનાજની ગુણીઓ ચકાસવાનું બામ્બુ નામનું હાથવગુ હથીયાર લઇને ફરતા,જો કે આ ઐતિહાસિક બજાર હવે જાણે અમદાવાદની ગુજરી બજારમાં પરિવર્તિત થવા પામી છે.
દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો આ બજારમાં ઉમટી રહ્યા છે. છેલ્લા એક દાયકાથી અહીં બેસતા એક વેપારી હૈદરઅલી ખોજાના જણાવ્યા પ્રમાણે આ બજારમાં મીણબતીના સ્ટેન્ડથી માંડીને દીવાન ખંડના સોફા સેટ સુધીની વસ્તુઓ મળી રહે છે અને આ ઉપરાંત જૂની ચંપલો, ટેબલ ફેન,ટેલીફોન,મંદિરો,ભરતકામના નમુના,જુના વસ્ત્રો,લાકડાના ટેબલ, સીઆરટી ટીવી,એલસીડી ટીવી, વિન્ટેજ ટેપ રેકોર્ડર, રેડિયા,ટચ સ્ક્રીન મોબાઈલ, જુના કોમ્પ્યુટર, ડ્રેસિંગ ટેબલ, ઈસ્ત્રી, હાઈફાઈ સ્પીકર, પલંગથી માંડીને મકાનોની બારી-દરવાજા સુધીની વસ્તુઓ મળે છે.