એસટીને દિવાળી ફળીઃ 5 દિવસમાં થઈ અધધ આવક…

અમદાવાદઃ દિવાળીનો તહેવાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માટે આ વર્ષે ખુબ જ લાભદાયી સાબિત થયો હતો. નોકરી કે વ્યવસાય અર્થે પોતાના ઘરથી દૂર રહેતા લોકો દિવાળીની રજાઓ પર પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં પરિવહન સેવાઓનો ઉપયોગ કરતા હોય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેના પરિણામે નિગમને પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કરોડોની આવક થઈ હતી.
એસ.ટી. નિગમે રાજ્યમાં 8200 ટ્રીપ ચલાવી
દિવાળીના તહેવારને લઈ એસટી દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. દિવાળી પર 16 થી 20 ઓક્ટોબર દરમિયાન એસ.ટી. નિગમે સમગ્ર રાજ્યમાં કુલ 8200 ટ્રીપ ચલાવી હતી. આ સમયગાળામાં એસ.ટી. નિગમને આશરે રૂ. 7.50 કરોડની આવક થઈ હતી. કુલ 3.68 લાખ મુસાફરોએ એસ.ટી. બસોમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 1.41 લાખ જેટલી સીટો એસટી દ્વારા બુકિંગ થઈ હતી. જ્યારે આ વખતે આ આંકડો 3 લાખ 68 હજાર પાર પહોંચી ગયો હતો. જેનાથી એસટી વિભાગને સાડા સાત કરોડની આવક નોંધાઈ હતી.
મુસાફરોની સંખ્યા પણ બમણી થઈ
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોની સંખ્યામાં બમણા કરતાં પણ વધુ વધારો નોંધાયો હતો. જેના પરથી લોકોએ પોતાના વતન જવા માટે એસટી બસોને પ્રાથમિકતા આપી હોવાનું સામે આવ્યું હતું. આ વધેલા મુસાફર ભારણ અને સફળ સંચાલનને કારણે જ એસટી વિભાગને સાડા સાત કરોડની જંગી આવક થઈ હતી. દિવાળીના કારણે એસટી નિગમને આ આવકે મોટો આર્થિક લાભ પૂરો પાડ્યો હતો.



