Diwali: દિવાળી પર્વને લઈને દ્વારકા જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર
દ્વારકા: આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.
દિવાળીના દિવસે મંદિર વહેલું ખુલશે:
દિવાળીના દિવસે વિશેષ ઉજવણીને ધ્યાનમાં લઇને મંદિર વહેલું ખુલશે. દિવાળીના દિવસે સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે, બપોરે 1 થી 5 અનોસર, સાંજે 5:00 વાગે ઉત્થાપન તેમજ રાત્રે 8 કલાકે હાટડીના દર્શન બાદ 9:45 કલાકે શયન સાથે મંદિર દર્શન બંધ થશે.
અન્નકૂટ દર્શન શુક્રવારે:
શુક્રવારના રોજ જગતમંદીરમાં અન્નકૂટ મહોત્સવ થશે. આ દિવસે સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવશે, બપોરે 1થી 5 અનોસર, સાંજે 5 વાગ્યાથી અન્નકૂટ દર્શનનો લાભ મળશે. રાત્રે 9:45 કલાકે શયન સાથે મંદિર દર્શન બંધ થશે. નૂતન વર્ષ અને ભાઈબીજના દિવસે સવારે 6:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે, બપોરે 1 થી 5 અનોસર, સાંજે 5 વાગ્યે ઉત્થાપન તેમજ રાતે 9:45 કલાકે શયન સાથે મંદિર દર્શન બંધ થશે.