મોંઘવારી કરતા પણ ઝડપથી વધી રહી છે આ સમસ્યા, સમાજવ્યવસ્થા સામે મોટો પડકાર

અમદાવાદઃ પેટનો ખાડો પુરવો એ દરેક સમયમાં એક પડકાર જ હોય છે, પરંતુ તેમ છતાં લોકો ગમે તેવી સ્થિતિનો સામનો કરે છે, જેથી તેનો પરિવાર બે ટંકનું ખાઈ શકે કે સુખેથી જીવન જીવી શકે. પણ પરિવાર જ તૂટી રહ્યા હોય ત્યારે કરોડોની કમાણી પણ કામ નથી આવતી.
આ વાત એટલે કરવી પડી કે મોંઘવારીનો દર જેટલી ઝડપથી નથી વધતો તેટલી ઝડપથી વધી રહ્યો છે છૂટાછેડાના કેસનો દર.
લગ્નજીવનમાં પ્રેમ, સન્માન, સહનશીલતા વગેરે જેવું તો નથી રહ્યું, પરંતુ એક પાયાની સમજણ અને મનમેળનો પણ અભાવ લાગે છે.
આ પણ વાંચો : અમદાવાદના જ્વેલરી શોપમાં ધોળા દિવસે લૂંટ, દુકાનદારે પહેલો ચેન પણ લુંટી ગયા
માત્ર અમદાવાદની ફેમેલી કોર્ટમાં આવેલા છૂટાછેડાના કેસના આંકડા ડરાવનારા છે. ફેમિલી કોર્ટમાં 1લી જાન્યુઆરીથી 16મી જુલાઈ સુધીના સાડા છ મહિનામાં લગ્નજીવનમાં વિખવાદ ને લગતા નવા 4300 કેસો દાખલ થયા હોવાની માહિતી એક અહેવાલ દ્વારા મળી છે. આ તમામ કેસોમાં ભરણપોષણની રિકવરી, બાળકોની કસ્ટડી તેમજ છૂટાછેડાના કેસોનો સમાવેશ થાય છે. જેમાં છૂટાછેડાના જ 2100 કેસ છે. ફેમિલી કોર્ટમાં જૂના અને નવા મળી કુલ 3738 કેસોનો નિકાલ કરાયો છે. જેમાં ફેમિલી સ્યૂટ એટલે કે દાવાના બે હજારથી વધુ તેમજ છૂટાછેડાના 1200 કેસનો સમાવેશ થાય છે.
ફેમિલી કોર્ટમાં 2023માં 3464 કેસો દાખલ થયા હતાં. જેમાં 2300 કેસ તો છૂટાછેડાના હતાં. આમ ગત વર્ષ કરતાં 2024માં સાડા છ મહિનામાં જ છૂટાછેડાના 2100 કેસ દાખલ થયા છે.
મોબાઈલ અને સોશિયલ મીડિયા બન્યું છૂટાછેડાનું કારણ
કેટલીક ઘટનાઓ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનું કારણ સોશિયલ મીડિયા હોય છે. એક ઉદાહરણ તરીકે જેમાં એક યુવકની પત્ની સોશિયલ મીડિયા ઉપર બેથી વધુ લોકો સાથે ચેટિંગ કરતી હતી. અને તેનું આ કૃત્ય તેના પતિના ધ્યાને આવ્યું હતું. પતિને ખબર પડી કે તેની પત્ની ચેટિંગમાં અન્ય યુવકો સાથે સંપર્કમાં રહેતી હતી જેના કારણે બન્ને વચ્ચે ઝઘડા થતા હતાં. જેને લઇને પતિ અને પત્નીના માતા-પિતા વચ્ચે આમને સામને પોલીસ ફરિયાદ થતાં છૂટાછેડા થયા હતા.
સંયુક્ત કુટુંબમાં ન રહેતા છૂટાછેડાનું પ્રમાણ વધ્યું
એક ધારાશાસ્ત્રીના જણાવ્યા મુજબ શહેરમાં વર્તમાન સમયમાં જે રીતે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં મહત્વનું કારણ સયુંકત કુંટબ પ્રથા રહી નથી. મોટાભાગના કેસમાં પત્ની દ્વારા ત્રાસ પુરવાર થાય તો કોર્ટ છૂટાછેડાનો આદેશ કરે છે. એક કેસમાં અમદાવાદના યુવક સાથે લગ્ન કરનાર ગામડાની યુવતીને શહેરમાં રહેવું પસંદ ન હતું. જેના કારણે પતિ-પત્નીનમાં ઝઘડાનું પ્રમાણ વધી રહ્યું હતું. યુવતીના પિયરપક્ષવાળા એ જમાઇને માર માર્યો હતો. જેના કારણે આખરે પતિ-પત્નીના છૂટાછેડા થયા હતાં
આ સાથે નિષ્ણાતો જણાવે છે કે આજે પણ ઘણા સમાજમાં તેમના પંચના માણસો ભેગા થઇને નોટરી સમક્ષ છૂટાછેડા કરાવે છે. ખરેખર સમાજની રીતે થયેલા કસ્ટમરી ડાયર્વોસ કાયદાકીય રીતે માન્ય નથી. કારણ કે, છૂટાછેડા લીધેલ સ્ત્રી કે પુરુષે વિદેશ જવુ હોય અથવા સરકારી લાભ લેવો હોય તો તેમણે ફેમિલી કોર્ટમાંથી ડિક્રી લેવી જરૂરી છે.