Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં ઠાકોરજી અને તુલસીજીના લગ્નોત્સવની દિવ્ય ઉજવણી; દ્વારકા-ડાકોર-શામળાજીમાં હર્ષોલ્લાસ!

અમદાવાદ: કારતક સુદ એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે અને આ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ શૈયામાંથી ઉઠે છે અને ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. આજના દિવસે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના વિવાહની પરંપરા રહી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામો દ્વારકા, ડાકોર, શામળાજી સહીત સમગ્ર રાજ્યમાં ભગવાનના વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન અને તુલસીજીના વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્વરૂપનો વાજતે ગાજતે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રાણીવાસમાં પધાર્યો હતો.

રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા. ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપના શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે યોજાયેલા લગ્નોત્સવનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે પણ તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીના મંદિરમાં સંધ્યા સમયે ઠાકોરજીની વાજતે ગાજતે નગરયાત્રા નીકળી હતી. આ દિવ્ય ઉજવણીના સહભાગી થવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

નગરયાત્રાથી પરત આવ્યા બાદ શ્રીજી મહારાજ મંદિરમાં 11 કુંજમાં તુલસીજી સાથે વિવાહના તાંતણે બંધાયા હતા. રવિવારની રજાને લઈ મંદિરમાં સવારે મંગળા આરતી સમયથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

તે ઉપરાંત અરવલ્લીની ગોદમાં આવેલા યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન અને તુલસીજીના વિવાહની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શામળાજી ખાતે ભગવાન વિષ્ણુના સ્વરૂપને સુંદર શણગારેલી બગીમાં બિરાજમાન કરીને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બેન્ડ વાજા સાથે વર પક્ષ, કન્યા પક્ષ, મામેરિયા અને મોટી સંખ્યામાં ભક્તો વરઘોડામાં જોડાયા હતા અને નાચતા-કૂદતા મંદિર પહોંચ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button